આ બ્લોગમાં વર્તમાનપત્રો, મેગેઝિનો, વિકીપીડીયા,GK ની વેબસાઇટો, વગેરે માધ્યમોનો સંદર્ભ તરીકે ઉપયોગ કરવામા આવેલ છે જે માટે સૌનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરુ છુ.બ્લોગથી મને લેશમાત્ર આવક નથી.જેની નોંધ લેશો.

Thursday 3 November 2016

♥ ભમરી ♥

ભમરીથી બધા ડરે છે, કારણ કે એનો ડંખ લાગે તો ક્યાંય સુધી ચામડી ચચરે અને લ્હાય બળે. જોકે ભમરી પોતાનો જીવ બચાવવા માટે જ ડંખ મારે છે.

ભમરી એક એવું જંતુ છે જેની વિવિધ પ્રકારની અનેક પ્રજાતિઓ છે. આજ સુધી ભમરીની લગભગ ૩૦,૦૦૦ જેટલી પ્રજાતિની ઓળખ થઈ શકી છે.

મોટાભાગના લોકો એવું માને છે કે ભમરી એટલે એક ચમકતાં રંગનું જીવજંતુ જે હંમેશા ઝૂંડમાં જ રહે, અને બધી ભમરી જાણે ગુસ્સામાં ગણગણતી આપણને ડંખ મારવા તૈયાર હોય! પણ એવું નથી. ભમરીની મોટાભાગની જાત ખરેખર એકાંતમાં રહેવાવાળી અને ડંખ વગરની હોય છે. મનુષ્યો માટે નુકસાનકારક એવાં બીજા કીટકો અને જીવડાંને ખાઈને તેમની વસતી નિયંત્રિત કરતી હોવાથી ભમરીનું અસ્તિત્વ આપણાં માટે ફાયદાકારક છે.

ભમરી અને મધમાખી વચ્ચે ફરક એ રીતે પારખી શકાય કે ભમરીનો પેડુનો ભાગ અણીદાર અને ઘણો નીચે હોય છે. પેડુના ભાગને છાતીથી અલગ પાડતી ખૂબ પાતળી કમર હોય છે, જેને ‘પેટીઓલ’ કહેવાય છે. પીળા, કથ્થઈ, મેટાલિક બ્લૂ, લાલ એવાં પરિચિત રંગ સિવાય પણ કલ્પના કરી શકાતી હોય એવાં બધાં જ રંગોમાં ભમરીની અવનવી પ્રજાતિઓ અસ્તિત્વ ધરાવે છે.

ખુલતા રંગની ભમરીની પ્રજાતિ મોટાભાગે ‘વેસ્પાઇડે’ અથવા ડંખવાળા કુટુંબની હોય છે. બધી ભમરીઓ માળો બનાવે છે. જ્યારે મધમાખી માળો બનાવવા માટે એક મીણ જેવા પદાર્થનો સ્ત્રાવ કરે છે. ભમરીઓની પ્રજાતિને પ્રાથમિક રીતે બે પેટાજૂથમાં વિભાજિત કરવામાં આવે છેઃ સામાજિક અને એકાકી.

સામાજિક ભમરીની માત્ર એક હજાર પ્રજાતિ છે. જેમાં યલો જેકેટ્સ અને હોર્નેટ જેવી કોલોની-બિલ્ડર્સનો સમાવેશ થાય છે.

ભમરીની વસાહત રાણીથી શરૃ થાય છે. આગલા વર્ષે સંવનન કરીને બચી ગયેલી માદા શિયાળામાં મૃતપ્રાયઃ સ્થિતિમાં સંતાઈ રહે છે. જો એ જીવી જાય તો સૌથી પહેલાં પોતાનું એક દર બનાવી એમાં સો-દોઢસો ઈંડાં મૂકે છે. એમાંથી કામદાર માદાઓ જન્મે છે. એ માદાઓ દર મોટું બનાવવામાં ભમરી માદાને મદદ કરે છે. એ સાથે જ માદા રાણી બની જાય છે. ચોમાસા સુધી ભમરીઓ દર બનાવીને એમાં બચ્ચાં વિકસાવતી રહે છે. ચોમાસામાં નર પાંખો ફફડાવીને બહાર નીકળી માદાઓ શોધીને સંવનન કરી મૃત્યુ પામે છે. સંવનન કરેલી માદા ભમરી સારી જગ્યા શોધીને શિયાળો ગાળવા સંતાઈ જાય છે. શિયાળામાં જૂની રાણીનું દર નાશ પામે છે.

એકાકી પ્રકારની ભમરીઓ મોટી વસાહત બનાવતી નથી. એકલ-દોકલ મળીને દર બનાવે છે અને એકલી જ જીવે છે. ઈંડા મૂકવાના થાય તો નરમ શરીર ધરાવતી ઈયળોના શરીરમાં ઈંડાં મૂકે છે. ઈંડાંમાંથી લાર્વા બહાર નીકળે તો એ ઈયળના શરીરને અંદરથી ખાવાનું શરૃ કરે છે અને મોટા થાય છે. એમ કરતાં ઈયળ મૃત્યુ પામે છે અને લાર્વા કોશેટો બની એમાં પડયા રહે છે. પછી યોગ્ય સમયે એમાંથી નવજાત ભમરી બહાર આવે છે. આવી ભમરી માત્ર સંવનનની ઋતુમાં જ નર કે માદાને શોધે છે. ભમરી દોઢ સેન્ટિમીટરથી માંડીને દોઢ ઈંચ સુધીની હોઈ શકે.

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.