આપણે ફટાકડો ફોડીએ એ તો ફૂટે કે તરત ધડાકો થાય છે, પરંતુ રોકેટ ઊંચા આકાશમાં ફૂટે ત્યારે પહેલાં એનો પ્રકાશનો ગોળો દેખાય છે. અવાજ જરાક વાર રહીને આપણને સંભળાય છે, કારણ કે પ્રકાશના કિરણો અવાજના મોજાં કરતાં વધારે ઝડપથી મુસાફરી કરે છે. એટલે એ આપણા સુધી વહેલા પહોંચી જાય છે.
એક સવાલ તમને ઘણી વખત પજવતો હશે કે ફટાકડા અને રોકેટમાં એકસરખો જ દારૃગોળો ભર્યો હોય છે, છતાં ફટાકડો ફૂટે છે અને રોકેટ આકાશમાં ઊંચે દોડી જાય છે. એવું કેમ? આમ થવાનું કારણ સાવ સાદું છે.
♣ ફટાકડો બંને બાજુથી બંધ ♣
ફટાકડાના નળાકારમાં દારૃખાનું ભર્યા પછી એને બંને બાજુથી ટીચીને પેક કરી દેવામાં આવે છે. માત્ર એની દિવેટ બહાર રહે છે. દિવેટ વાટે જ્યારે અગ્નિનો તણખો અંદર જાય ત્યારે અંદરનો દારૃગોળો આંખના પલકારા કરતાંય વહેલો સળગી જાય છે. એના કારણે અંદર ભયાનક ઊર્જા અને ગરમીનું દબાણ સર્જાય છે. એને બહાર નીકળવાની જરાય જગ્યા નથી હોતી. આખરે દબાણ સહન ન થતાં ફટાકડાનો નળાકાર ધડાકા સાથે ફાટે છે, એના કૂરચા ઊડી જાય છે.
♣ રોકેટ એક જ બાજુથી બંધ ♣
રોકેટમાં પણ દારૃખાનું ભર્યા પછી આગળનો ભાગ ટીચીને બરાબર પેક કરી દેવામાં આવે છે. એની ઉપર શંકુ આકારનું પૂઠું લગાવવામાં આવે છે, જેથી હવામાં ઊંચે જતી વખતે તેને હવાનો અવરોધ ઓછો નડે. રોકેટના બીજા છેડે મજબૂત પેકિંગ હોતું નથી. માત્ર કાગળ ચોંટાડીને બંધ કરવામાં આવ્યું હોય છે અને તેમાંથી દિવેટ બહાર રાખવામાં આવે છે. રોકેટને સળી સાથે ચોંટાડી દેવામાં આવે છે. જ્યારે તેને સળગાવવાનું હોય ત્યારે તેને સળી ઉપર ઊભું રાખીને દિવેટ સળગાવવામાં આવે છે. દિવેટ સળગતી અંદર પહોંચે કે તરત અંદરનો દારૃગોળો પળવારમાં સળગી જાય છે. એમાં પણ ઊર્જા અને ગરમીનું ભયાનક દબાણ સર્જાય છે. એ દબાણને નીકળવાનો રસ્તો નીચે હોય છે. એટલે બધું દબાણ નીચેથી બહાર ધસમસી આવે છે. ન્યૂટનના આઘાત જેટલા જ પ્રત્યાઘાતના સિદ્ધાંત મુજબ દબાણની ઊર્જા બહાર ધસી આવે તો એ જેટલા જોરથી બહાર ધસી આવે એટલું જ જોર રોકેટને સામી દિશામાં ધક્કો મારે છે. રોકેટ ઊભું હોવાથી ઊર્જા નીચેથી બહાર નીકળે છે અને રોકેટ સૂસવાટા સાથે આકાશમાં ઊંચે ધકેલાઈ જાય છે.
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.