આ બ્લોગમાં વર્તમાનપત્રો, મેગેઝિનો, વિકીપીડીયા,GK ની વેબસાઇટો, વગેરે માધ્યમોનો સંદર્ભ તરીકે ઉપયોગ કરવામા આવેલ છે જે માટે સૌનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરુ છુ.બ્લોગથી મને લેશમાત્ર આવક નથી.જેની નોંધ લેશો.

Saturday, 5 November 2016

♥ મલ્લાર્ડ ડક ♥



લીલું માથું લીલી ડોક અને પીળી ચાંચ તથા દૂધ જેવું ધોળું શરીર ધરાવતી બતકનું નામ  મલ્લાર્ડ ડક છે. આ જાતની બતકો  પૃથ્વીના ઉત્તાર્ધમાં આવતા લગભગ બધા જ દેશોમાં રહે છે. એમનો શિકાર થતો નથી અને મોટેભાગે નિર્જન વિસ્તારોમાં રહેતી હોવાથી એમની વસ્તીમાં કોઈ ખાસ ઘટાડો જોવા મળ્યો નથી. આ બતકો સમગ્ર પૃથ્વીમાં વિપુલ પ્રમાણમાં જોવા મળે છે. મલ્લાર્ડ બતકો શાંત, છીછરા પાણીના વિસ્તારોમાં રહેવાનું પસંદ કરે છે. એશિયા, યુરોપ, અને ઉત્તર અમેરિકાના દેશોમાં જ્યાં જ્યાં આવા શાંત અને છીછરા પાણી હોય ત્યાં ફરો તો ઢગલાબંધ મલ્લાર્ડ ડક જોવા મળે છે. સામાન્ય રીતે એ મીઠા પાણીમાં રહે છે, પરંતુ મીઠા પાણીમાં જ રહેવું એવું કોઈ બંધન જોવા મળતું નથી. ખારા પાણીમાં અને ગંદા પાણીમાં પણ મલ્લાર્ડ બતકોના ટોળાં રહેતા જોવા મળે છે.

આ પ્રકારની બતકોમાં નર બતકની ડોક વધારે ડાર્ક લીલા રંગની હોય છે. શરીર સફેદ તથા રાખોડી અને છાતીના ભાગે અખરોટ જેવા રંગના પીંછા હોય છે. માદા બતક કથ્થાઈ રંગના શરીર પર સફેદ કે પીળા ટપકાં ધરાવે છે. એની બંને પાંખ પર ચમકદાર જાંબુડિયા રંગની ડિઝાઈન હોય છે. આ જાતની બતકો સરેરાશ ૨૬ ઈંચ જેટલી લાંબી થાય છે. એમનું વજન સરેરાશ દોઢ કિલોગ્રામ સુધી પહોંચે છે.

પાણીમાં રહેતી અન્ય પ્રકારની બતકોની જેમ મલ્લાર્ડ બતકો પાણીમાં ડૂબકી મારતી જોવા મળતી નથી. એ કિનારાના છીછરા પાણીમાં જ ફરતી રહે છે. દિવસનો અડધો સમય તો એ કિનારે આવીને ધરતી પર બેસીને તડકો ખાતી હોય છે. એ માછલી, નાના જીવ-જંતુ, તથા જાતજાતની વનસ્પતિ ખાઈને જીવે છે. ધરતી પર હોય ત્યારે આસપાસ ફરીને દાણા પણ ચરે છે. જ્યારે નર-માદા બતકની જોડી બને તો એ બંને જ્યાં ટોળું રહેતું હોય એની ઉત્તર દિશામાં દૂર જઈને માળો બનાવવા માંડે છે. ઈંડા મૂકવા માગતી જોડીઓ બધી જ અહીં માળા બનાવવા આવી ગઈ હોય છે. સારી જગ્યા જોઈને માળો બનાવ્યા પછી માળામાંં માદા બતક એક ડઝન ઈંડા મૂકે છે. પછી એને ૨૫-૩૦ દિવસ સુધી સેવે છે. ઈંડા સેવાતા હોય ત્યાં સુધી નર-માદા કોઈને આ બાજુ આવવા દેતા નથી. બંને આક્રમક બની જાય છે. ઈંડા સેવાઈ જાય અને બચ્ચાં જન્મે પછી નર ઊડીને બીજા નર સાથે ટોળામાં જતા રહે છે. પછી બચ્ચાંને માતા ઉછેરે છે. મલ્લાર્ડ બતક પાંચથી દસ વર્ષ જીવે છે.

આ બતક મોટા ભાગે પાલતું બનતી નથી.  એ વગડામાં સ્વતંત્ર રહેવાનું જ પસંદ કરે છે. બતક પાળનારા આવા બતકને પાળતા પણ નથી. જોકે એને પાણીમાં તરતી જોવાનો લહાવો કંઈ ઓર જ હોય છે. લીલા રંગની ડોકના કારણે મલ્લાર્ડ બતક ભવ્ય લાગે છે.

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.