આ બ્લોગમાં વર્તમાનપત્રો, મેગેઝિનો, વિકીપીડીયા,GK ની વેબસાઇટો, વગેરે માધ્યમોનો સંદર્ભ તરીકે ઉપયોગ કરવામા આવેલ છે જે માટે સૌનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરુ છુ.બ્લોગથી મને લેશમાત્ર આવક નથી.જેની નોંધ લેશો.

Saturday, 13 August 2016

♥ લાંબું કાર્ટૂન જેવું નાક ધરાવતા પ્રોબોસિસ વાનર ♥


મલેશિયાના બોર્નિયો ટાપુ ઉપર વસતા આ કાર્ટૂન જેવા વાનરોનું નામ પ્રોબોસિસ મન્કી છે. આ વાનરો એમના ખૂબ લાંબા નાકના કારણે તરત ઓળખાઈ જાય છે. તેઓ નદી અને દરિયાકિનારાના કાંટાળા, ઝાંખરા જેવા વૃક્ષો ઉપર જ રહે છે. જરૂર પડે તો જ ખોરાક શોધવા ધરતી પર પગ મૂકે છે.

આ જાતના વાનરો નાની નાની ટોળકીઓમાં રહે છે. ટોળકી એક પરિવાર જેવી હોય છે. તેમાં એક શક્તિશાળી નર હોય છે. અને તેની બેથી સાત જેટલી માદાઓ હોય છે. માદાઓના બચ્ચાં પણ સાથે જ રહે છે. તેઓ યુવાન થતાં પોતાનો જીવન સાથી શોધીને પોતાના પરિવારમાં વસવા લાગે છે. આખો દિવસ વૃક્ષો પર હૂપા હૂપ કર્યા પછી અને જાતજાતના ફળ, પાંદડા ખાધા પછી રાતના સમયે બધી જ ટોળકીના વાનર નદીકિનારે એક વિશાળ અને સલામત જગ્યા શોધીને ત્યાં ભેગા થાય છે. આખી રાત એ બધા ત્યાં જ એકસાથે સૂઈ જાય છે.

પ્રોબોસિસ વાનરો સારા તરવૈયા હોય છે.  પાણીમાં પોતાના પેટ અને હાથ-પગના પંજાથી તરે છે. એમના હાથ-પગના પંજા વચ્ચે પાતળી ચામડી જોડાયેલી હોય છે જેથી તેઓ ઝડપથી તરીને પાણીમાં રહેલા વાનરભક્ષી મગરથી બચી શકે છે.

નર વાનર માણસ જેટલા ૬ ફૂટના થાય છે, જોકે એમનું વજન માત્ર ૨૩ કિલો હોય છે. આ વજન પણ નરનું જ હોય છે, માદા તેનાથી અડધું જ વજન ધરાવતી હોય છે.

આ વાનરો મોટેભાગે વૃક્ષોના પાંદડા, કાચા ફળ, દાણા ખાઈને ગુજરાન ચલાવે છે. જોકે જરૂર પડે તો જંતુઓનું ભક્ષણ પણ કરી લે છે. એમના જઠરમાં ખાનાં હોય છે, દરેક ખાનોમાં છલોછલ બેક્ટેરિયા ભર્યા હોય છે, એ બેકટેરિયા જ એમનો ખોરાક પચાવી આપે  છે.

એમનું લાંબું નાક પણ માત્ર નર વાનરોમાં જ જોવા મળ્યું છે. કાર્ટૂન જેવા દેખાતા આ નાકની મદદથી તેઓ માદાને રીઝવે છે. આ નાકના કરાણે એ લોકો હૂપ… હૂપ…નો અવાજ વધારે મોટો અને અસરકારક બનાવી શકે છે.

એક સમયે આ વાનર પાર વગરના જોવા મળતા હતા, હવે એ નામશેષ થવાને આરે આવી ગયા હોવાથી રક્ષિત પ્રાણીઓની યાદીમાં મૂકાઈ ગયા છે. એમને પકડવા, પાળવા અને શિકાર કરવા પર કડક પ્રતિબંધ મુકાઈ ગયા છે.


No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.