આ બ્લોગમાં વર્તમાનપત્રો, મેગેઝિનો, વિકીપીડીયા,GK ની વેબસાઇટો, વગેરે માધ્યમોનો સંદર્ભ તરીકે ઉપયોગ કરવામા આવેલ છે જે માટે સૌનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરુ છુ.બ્લોગથી મને લેશમાત્ર આવક નથી.જેની નોંધ લેશો.

Thursday, 3 March 2016

♥ બ્લેક ડ્રોન્ગો ( કાળો કોશી ) ♥

બ્લેકડ્રોન્ગો ( કાળો કોશી ) આપણા ગુજરાત સહિત દેશના મોટા ભાગમાં જોવા મળતું વાડી-વગડાનું પક્ષી છે.

તેને પક્ષીજગતના પોલીસનું બિરૂદ મળેલું છે.

તળપદી બોલીમાં તેને "પટેલ"ના નામે પણ ઓળખવામાં આવે છે.

બ્લેકડ્રોન્ગો તમને હિમાલયથી માંડીને કન્યાકુમારી સુધી જોવા મળે છે. આપણા બાગ-બગીચામાં, ખેતરમાં, પાદરમાં કે છેવટે તારના દોરડા પર પણ તેને તમે જોઇ શકશો.

અંગ્રેજોએ તેને 'હિઝ રોયલ હાઇનેસ'નો ઇલકાબ આપી દીધો છે. તેનું બીજું નામ કિંગ ક્રો છે. પણ નથી તે કિંગ જેવો કે, નથી તે કાગડા જેવો.

બ્લેક ડ્રોન્ગોનું શરીર ૧૩ ઇંચ લાંબું છે. તેની પૂંછડી ફંટાયેલી હોય છે. તેના આટલા મોટા શરીરમાં અડધી લંબાઈ તો પૂંછડીની જ હોય છે. આ લડાયક પક્ષીની આંખ લાલ હોય છે.

સમડી, કાગડા અને ખેરખટ્ટા જેવાં મજબૂત પક્ષીઓ સાથે પણ બ્લેકડ્રોન્ગો લડી લે છે. વળી કોઇ પક્ષી તેની સીમામાં આવે તો બ્લેક ડ્રોન્ગો તેની પાછળ પડી તેને ભગાડી મૂકે છે.

બ્લેક ડ્રોન્ગો ઊડવામાં ચપળ અને હિંમતવાન પણ છે. એટલે તે બીજાં પક્ષીઓ સામે જીતી શકે છે. બાકી તેનાથી વધારે બળવાન અને મોટાં પક્ષીઓને ભગાડવાનું કામ સહેલું નથી. બ્લેકડ્રોન્ગો તાર પર, ઝાડ પર કે દીવાલ પર બેઠો હોય અને જમીન પર કોઇ જીવડું જુએ કે તરત જ હવામાં ડાઇવ મારીને જીવડાને પકડી લે છે અને ફરી ઉપર ચાલ્યું જાય છે. વળી તે ખેતીને નુકશાન કરતાં જીવડાં પણ ખાઇ જઇને ખેતીના પાકને થતું નુકસાન અટકાવે છે.

બ્લેક ડ્રોન્ગોનો અવાજ બહુ સારો નથી. પણ તે કોઇવાર કોયલની જેમ મીઠા ટહુકા પણ કરી લે છે. આ તેની એક ખાસિયત છે.

આ પક્ષી ચૈત્ર અને અષાઢ મહિનામાં માળા બનાવી ઇંડાં મૂકે છે. તેનો માળો ચારે બાજુથી ખુલ્લો હોય છે. બ્લેક ડ્રોન્ગોની દેખરેખ હેઠળ લેલા અને પીળક જેવાં પક્ષીઓ પોતાનો માળો બનાવી ઇંડાં સેવે છે, જેથી બીજાં પક્ષીથી આ ઇંડાંને રક્ષણ મળે.


No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.