આ બ્લોગમાં વર્તમાનપત્રો, મેગેઝિનો, વિકીપીડીયા,GK ની વેબસાઇટો, વગેરે માધ્યમોનો સંદર્ભ તરીકે ઉપયોગ કરવામા આવેલ છે જે માટે સૌનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરુ છુ.બ્લોગથી મને લેશમાત્ર આવક નથી.જેની નોંધ લેશો.

Tuesday, 10 November 2015

♥ Stethoscope-સ્ટેથોસ્કોપ ♥



Stethoscope-સ્ટેથોસ્કોપ-પરિશ્રાવક. આ એક સાધન છે, જેનો ઉપયોગ ડોક્ટરો કરે છે અને આ સાધન ડોક્ટરના ગળામાં તમે વારંવાર જોતા હશો. ડોક્ટરો આવું સાધન ગળામાં એટલા માટે લટકાવી રાખે છે કે, જે દ્વારા તેઓ દર્દીઓનાં હૃદયના ધબકારાઓને સારી રીતે સાંભળી શકે છે; મદારી પોતાના ગળામાં સર્પને રાખે છે એમ જ સ્ટેથોસ્કોપ ગળામાં ઝૂલતું રાખી ડોક્ટરો છાતી ફૂલાવીને હોસ્પિટલના વિભિન્ન વોર્ડમાં આંટા મારતા જોવા મળે છે.

બ્રિટાની, ક્વિમ્પરના ટી. એચ. લેઇન્સેક નામનો ડોક્ટર ૧૮૧૬માં એક રોગ વિજ્ઞાાની(pathologist) પેરિસમાં કામ કરતો હતો. આ ડોક્ટર હૃદયરોગનો નિષ્ણાત હતો અને પેરિસની નીચેર હોસ્પિટલમાં કામ કરતો હતો. એ સમયે એવો કોઈ રસ્તો ન હતો કે જેથી રોગોના હૃદયના ધબકારોને સહેલાઈથી સાંભળી શકાય, આથી આ ડોક્ટરે એક સરળ પ્રયુક્તિ શોધી કાઢી. અલબત્ત, આવી પ્રત્યુક્તિ એ અગાઉ કોઈ પણ ડોક્ટરનાં ભેજામાં આવી નહોતી.

સૌથી પ્રથમ એણે એક કાગળને વીંટાળી એનું ભૂંગળું બનાવ્યું અને એની નીચેના મધ્ય ભાગે એક છિદ્ર રાખ્યું કે જેથી એ દ્વારા શ્રાવક ક્ષમ્ય બને, પછી એણે આ ભૂંગળાંનો એક છેડો પોતાના કાન પાસે અને બીજા છેડાને દર્દીનાં હૃદય પર રાખ્યો અને એણે ધબકારો સાંભળ્યો. પોતાની આ પ્રયુક્તિને ઘણા ઘણા અખતરાઓ પછી એણે એક પ્રારૂપ આપ્યું. એણે એક સેન્ટિમીટર લાંબું લાકડાનું ભૂંગળું તૈયાર કર્યું, જેનો વ્યાસ ત્રણ સેન્ટિમીટરનો હતો અને નીચે છિદ્રનો પાંચ મિલિમીટરનો વ્યાસ હતો, આવું આ સાધન એ હવે સહેલાઈથી ખિસ્સામાં રાખી શકતો હતો. એ પછી એણે એક ટયૂબના બે ભાગ કર્યા હતા અને જ્યારે દર્દીના હૃદયના ધબકાર સાંભળવા હોય ત્યારે આ બંને ટયૂબોને એ પોતાના આ ભૂંગળાછાપ સ્ટેથોસ્કોપ સાથે જોડતો હતો, પરંતુ એ પછી દસ વર્ષે, દુર્ભાગ્યે, હૃદયરોગનો હુમલો આવવાથી એ અલ્લામિયાંને પ્યારો થઈ ગયો.

અત્યારનું સ્ટેથોસ્કોપ, એ એક એવી આવૃત્તિ છે કે, જેમાં નળીઓના બંને છેડા કાનમાં ફિટ થાય છે અને એના સુનમ્ય બધા જ ભાગો દ્વારા ડોક્ટર રોગીનાં હૃદયના ધબકારા સહેલાઈથી સાંભળી શકે છે, આવું આધુનિક સ્ટેથોસ્કોપ ૧૮૫૫માં દાખલ થયું હતું, જોકે લેઇન્સેકની ડિઝાઈનમાં અને આધુનિક સ્ટેથોસ્કોપમાં બહુ તફાવત નથી, જે કંઈ છે એ આધુનિક વિજ્ઞાાનની દેન છે.

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.