આ બ્લોગમાં વર્તમાનપત્રો, મેગેઝિનો, વિકીપીડીયા,GK ની વેબસાઇટો, વગેરે માધ્યમોનો સંદર્ભ તરીકે ઉપયોગ કરવામા આવેલ છે જે માટે સૌનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરુ છુ.બ્લોગથી મને લેશમાત્ર આવક નથી.જેની નોંધ લેશો.

Thursday, 26 November 2015

♥ કરોડોની સંપત્તિ ધરાવતું ભારતનું સૌથી પૈસાદાર ગામ - ધર્મજ ♥

♦ ગામમાં ૧૩ બેંકો અને ૧,૦૦૦ કરોડનું ટર્ન ઓવર
વતનપ્રેમીઓ પોતાના સંતાનોને લઇને દર વર્ષે ગામની મુલાકાતે આવે છે. ♦



અમદાવાદ,મંગળવાર
આર્થિક વિકાસની દોડમાં દેશના ગામડાઓ હજુ પણ પછાત રહી ગયા છે,રોજગારીના અભાવે મોટા શહેરો તરફ લોકની દોટ વધતી જાય છે ત્યારે ૧૧૦૦૦ની વસ્તી ધરાવતું આણંદ જિલ્લાનું ધર્મજ ગામ ભારતનું સૌથી સમૃદ્ધ ગામ બન્યું છે.આજે આ ગામના ૩૦૦૦ થી પણ વધુ લોકો પરદેશમાં વસે છે.વર્ષો પહેલા પરદેશ નિકળી ગયેલા લોકોની નવી પેઢીને વડિલો ગામની મુલાકાતે લાવે છે.

માત્ર આર્થિક માપદંડ જ નહી આરોગ્ય, શિક્ષણ,ખેતી,સહકાર,લોક ભાગીદારી અને સેવા પ્રવૃતિના કારણે આ ગામ અન્ય ગામોથી જુદુ પડે છે.ગામડામાં પણ શહેરો જેવી સુવિધાઓ ધરાવતા થઇ જાય તો ગામડાઓમાંથી શહેરો તરફ લોકો દોટ મુકી રહયા છે તે અટકી જાય.વિકસિત ગામ કોને કહેવાય એ ધર્મજ જોયા પછી આપો આપ સમજાઇ જાય છે.

♥ ૧૩ બેંકોમાં ૧,૦૦૦ કરોડથી પણ વધુ ડિપોઝીટ પડી છે. ♥

ધર્મજમાં ૧૯૫૯માં સૌ પ્રથમ દેનાબેંકની શાખા ખુલી હતી.ત્યાર બાદ ૧૯૬૯માં દેશમાં બેંકોનું રાષ્ટ્રીયકરણ થયું ત્યારે બેંક ઓફ બરોડા અને બેંક ઓફ ઇન્ડિયાની શાખાઓ ખુલી હતી.આ ઉપરાંત ૪૫ વર્ષ પહેલા ગામના ૫૪ સભાસદોએ ભેગા મળીને ૬.૬૩ લાખની ડિપોઝીટ સાથે સહકારી બેંકની શરૃઆત કરેલી આ સહકારી બેંક હાલમાં ૧૪.૨૦ કરોડની ડિપોઝીટ ધરાવે છે. આ ઉપરાંત ગામમાં નાની મોટી ૧૩ બેંકોમાં ૧૦૦૦ કરોડથી પણ વધુ ડિપોઝીટ પડી છે.આ રકમ દેશના કોઇ પણ ગામમાં હોય તેના કરતા વધારે છે. આજે ધર્મજ ગામની આ સમૃધ્ધિનું કારણ ગામના વર્ષોથી પરદેશમાં રહેતા નાગરીકો છે કે જેમણે ગામના વિકાસમાં મહત્વનો રોલ અદા કર્યો છે.ગામના નાગરીક રાજેશભાઇ પટેલ ધર્મજ ગામ પર પુસ્તક પણ લખ્યું છે.તેઓ કહે છે સતત દોડતી જતી જીવનની ઘટમાળમાં ખોવાયેલા માનવીને શોધવો હોય કે પછી આધુનિક શહેરોની સુખ સગવડો સાથે પ્રદુષણ મુકત ગ્રામ જીવનનો અનુભવ માણવો હોય તો ધર્મજ અચૂક જોવું જોઇએ.ધર્મજ આણંદ જિલ્લાના પેટલાદ તાલુકાના વાસદ વટામણ રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર - ૮ પર આવેલું ગામ છે.ગામમાં ૨૭૭૦ કુટુંબો વસે છે.જયારે ગામની કુલ વસ્તી ૧૧૩૩૪ જેટલી છે.

♥ ૧૯૦૬માં ગામના જોઇતારામ કાશીરામ પટેલે પહેલું પરદેશ ગમન કરેલું. ♥

એક જમાનામાં વિદેશ જવું વિકટ મનાતું હતું ત્યારે ગામમાંથી ૧૯૦૬માં જોઇતારામ કાશીરામ પટેલ નામની વ્યકિત માંઝા જયારે ચતુરભાઇ પટેલ યુગાન્ડાના મબાલે ખાતે ગયા હતા.૧૯૧૦માં માન્ચેસ્ટર જનારા પ્રભુદાસ પટેલ ગામમાં માન્ચેસ્ટર વાળા તરીકે ઓળખાતા હતા. જયારે ૧૯૧૧માં એડન ખાતે ગામના ગોવિંદભાઇ પટેલે તમાકુનો વેપાર શરૃ કર્યો હતો. આ ગામના ૩૦૦૦ થી પણ વધુ લોકો વિદેશમાં વસે છે. જેમાં ૧૭૦૦ બ્રિટનમાં,૮૦૦ અમેરિકામાં,૧૬૦ ન્યુઝીલેન્ડમાં,૨૦૦ કેનેડામાં અને ૬૦ ઓસ્ટ્રેલિયામાં રહે છે.વિદેશમાં વસતા મોટા ભાગના લોકો વેલસેટ અને પરિવાર સાથે રહે છે. આથી તેઓ જયારે પોતાના માદરે વતન પધારે ત્યારે ગામમાં ઉત્સવ જેવું વાતાવરણ ઉભું થાય છે.ધર્મજ ગામના બેંક કર્મચારીના જણાવ્યા અનુસાર આ ગામના એન આર આઇ સરકારી બેંકોમાં પૈસા મુકવાનું વધારે પસંદ કરતા હોવાથી આ ગામ દેશનું ધનવાન ગામ બન્યું છે.
ગામમાં દર વર્ષે ધર્મજ ડે પણ ઉજવાય છે જેમાં વિદેશ રહેતા મૂળ ગામવાસીઓ ભાગ લે છે.

ગામમાં ધર્મ જ ડે પણ ઉજવાય છે.એટલું જ નહી દાયકાઓ પહેલા પરદેશમાં રહેતા લોકો પોતાના સંતાનોને ધર્મજ ગામનો પરિચય કરાવે છે.

જયારે વડિલો વર્ષમાં એક વખત ધર્મજ ગામની અચૂક મુલાકાત લે છે. ખાસ કરીને આ ગામના નાગરીકો હોટલ અને મોટેલ અને સ્ટોર્સના બિઝનેસમાં સાહસિકતા, પ્રમાણિકતા, મહેનત અને વ્યવસ્થાપનના કારણે પોતાના ક્ષેત્રમાં ખૂબજ નામ કાઢયું છે. આથી ધર્મજ ગામના નાગરીકને ધર્મજીયન કહેવામાં આવે છે.જેમ નોન રેસિડન્સ ગુજરાતી એટલે એનઆરજી એવી જ રીતે પરદેશમાં રહેતા ધર્મજના નાગરીકને એનઆરડી તરીકે ઓળખવામાં આવે છે. ધર્મજ ગામમાં ત્રણ પેઢીથી બહાર રહેતા લોકોએ ત્રણ થી ચાર મહિના ગામમાં રહેવા માટે પરદેશ સ્ટાઇલના નવા મકાનો પણ બાંધવાનું શરૃ કર્યું છે આથી જે પોતાના વતન પ્રત્યેનો પ્રેમ દર્શાવે છે.આથી ધર્મજ સૌને ગમી જાય તેવું ગામ બન્યું છે.૧૨ મી જાન્યુઆરી ૨૦૦૬ના રોજ ધર્મજ ડે પણ ઉજવાયો હતો.જેમાં ધર્મજનું નામ રોશન કરનારા વતનીઓને ધર્મજ રત્ન અને ધર્મજ ગૌરવ પુરસ્કાર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા.

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.