ઇન્ટરનેશનલ ડેસ્ક:20 જુલાઇ 1969ના અમેરિકાનું અપોલો-11 યાન ચંદ્ર પર પહોંચ્યુ અને સાથે જ રચાયો હતો એક ઇતિહાસ. પહેલી વખત ચંદ્રની સપાટી પર પગ માનવીએ પગ મૂક્યો હતો. અહીં પહોંચનાર સાહસિકો હતા-નીલ આર્મસ્ટ્રોંગ અને એડવિન એલ્ડ્રિન જેનું બાદમા નામ બઝ એલ્ડ્રિન થઇ ગયુ હતુ. જો કે ઇતિહાસ રચાયાના અમુક વર્ષો બાદ તેને પડકાર આપતી એક થિયરી સામે આવી. આ મિશન નાસાનું એક ષડયંત્ર હોવાનો દાવો કરવામાં આવ્યો અને તેની ચર્ચા પુરજોશથી શરુ થઇ ગઇ. ચંદ્રયાત્રા બોગસ હોવાનો પહેલો મમરો બિલ કેસિંગ નામના અમેરિકન લેખકે 1974માં મૂક્યો હતો. તેણે અમુક દલીલોને વિસ્તૃત રીતે રજૂ કરીને એક પુસ્તક બહાર પાડ્યું હતુ જેનું નામ છે- We never went to the moon. તેણે નાસાના દાવાને પડકારીને ચોટદાર દલીલો મૂકી જે લોજીકલી કોઇને પણ વિચારતા કરીને થિયરી માનવા મજબૂર કરી દે તેવી હતી.
(1) એપોલો-11ના નીલ આર્મસ્ટ્રોંગ તેમજ એડવિન એલ્ડ્રિને અમેરિકાનો જે રાષ્ટ્રધ્વજ ચંદ્ર પર ખોડ્યો, તે લહેરાય છે કેમ ? ચંદ્ર પર હવા નથી, તો આ ધ્વજ ફરકે શેના બળે છે ? શૂન્યાવકાશમાં આ કેવી રીતે શક્ય બને તે દાવો છે.
♦ વૈજ્ઞાનિક તથ્ય ♦
→ એક કારણ તો એ કે બેશક ત્યાં હવા ન હોય પરંતુ ધ્વજને સ્ક્રૂની જેમ ફીટ કરવા તેને ઘુમાવ્યો ત્યારે કાપડમાં તરંગ પેદા થયા. આ રીતે ધ્વજનું કાપડ એ તરંગોને લઇને આગળ વધ્યુ, જે ક્રમશ: ડાબેથી જમણે સુધી તરંગને પહોંચાડે છે. તે સિવાય જે ધ્વજ હતો તે જૂના રેડીયોના એન્ટેના જેવો હતો. જેમાં એક દાંડી ખેંચો તો અંદર થી બીજી નીકળી અને પછી પાતળી દાંડી છેક ઉપર ખેંચાઇ આવે. આ રીતે જ્યારે ધ્વજ છેલ્લે સુધી ખેંચ્યો તો ધ્વજમાં ઉપર થોડી વળ રહી ગઇ હતી. તે સિવાય દાંડી ઉપર ખેંચી શકાય તેમ ન હતી, કારણ કે તે હવે લહેરાય તેવો લાગતો હતો. તેથી તેને એમજ રહેવા દીધો.
(2) ચંદ્રની મુલાકાત દરમિયાન લેવાયેલી તસવીરોમાં એસ્ટ્રોનોટ્સ, લ્યુનાર મોડ્યુલ્સ તેમજ પ્રયોગો માટે ગોઠવાયેલા સાધનોના પડછાયા દેખાય છે. જો માત્ર સૂર્ય
પ્રકાશમાં આ તસવીરો લેવામાં આવેલી હોય, તો પડછાયા એકમેકના સમાંતર દેખાવા જોઇએ. પરંતુ આ તસવીરોમાં કોઇનો પડછાયો સીધો, તો કોઇનો ત્રાંસો છે. જ્યારે આર્ટીફીશીયલ લાઇટ એકબીજાથી અલગ અંતરે ગોઠવાયેલી હોય, ત્યારે જ આ પ્રકારની પરિસ્થિતિ બને. તેથી નાસાએ સ્ટુડીયોમાં ફ્લડલાઇટ ગોઠવીને આ તસવીરો લીધી હોવાનું સૂચવે છે.
♦ વૈજ્ઞાનિક તથ્ય ♦
→ આનું કારણ એ છે કે જ્યારે થ્રીડી મોડલના ટુડી ફોટો લેવામાં આવે ત્યારે આવુ શક્ય બને છે. જેના લીધે તસવીરો માં પડછાયા વચ્ચે અંતર પણ વધી જાય છે. જો વધુ લાઇટ ગોઠવીને તસવીરો ખેંચવામાં આવી હોય, તો એક થી વધારે પડછાયા રચાઇ જાય. પરંતુ તસવીરોમાં ક્યાંય આવુ દેખાતુ નથી. તેથી જ આ થિયરીને સપોર્ટ કરતા લોકો પાસે તેમનો જવાબ નથી.
(3) લ્યૂનાર મોડ્યુલમાં બેઠેલા યાત્રીઓ અંતરિક્ષયાનના રોકેટ વડે ઉતર્યા હતા. તો જ્યાં ઉતરાણ કર્યું ત્યાં એન્જીનના થ્રસ્ટથી ચંદ્રની સપાટી પર કોઇ ગોબો કેમ રચાયો નહીં ? ફોટોગ્રાફમાં તો એ જગ્યા બિલકુલ સપાટ દેખાય છે.
♦ વૈજ્ઞાનિક તથ્ય ♦
→ આનો જવાબ એ છે કે જે રોકેટ એન્જીન હતું તેનો બ્લાસ્ટ એટલો જોરદાર ન હતો, જે ચંદ્રની સપાટી પર ગોબો પાડી દે. એન્જીનનું નાળચુ 2300 ચોરસ ઇંચનું હતુ અને તેમાં 3000 રતલ જેટલો પાવર આવ્યો હતો. દરેક ચોરસ ઇંચમાં તેની વહેંચણીમાં તે દોઢ રતલ જેટલી તાકાત આપે. તે સિવાય શૂન્યાવકાશમાં પાવર ચારેતરફ જલદી પ્રસરી જાય એટલે આટલા નજીવા પાવરમાં ચંદ્ર પર ક્યાંય ગોબો પડ્યો નહી.
(4) નીલ આર્મસ્ટ્રોંગે તથા બીજા સાહસિકોએ જે તસવીરો મોકલી તેમાં લ્યુનાર મોડ્યૂલ, પહાડો તેમજ ખડકો ઉપરાંત કાળુ આકાશ દેખાય છે, તો તેમાં તારા કેમ દેખાતા નથી ? દલીલ એવી છે કે ત્યાં કોઇ અવરોધ ન હોવાથી તારા વધુ સ્પષ્ટ દેખાવા જોઇએ.
♦ વૈજ્ઞાનિક તથ્ય ♦
→ ચંદ્ર પર દિવસ હતો ત્યારે ત્યાં લેન્ડીંગ કરવામાં આવ્યું હતુ. અહીં દિવસ પણ કાળુ ડિબાંગ હોય કારણ કે ત્યાં વાતાવરણ નથી જે સૂર્યકિરણોને વિખેરીને આપણા જેવુ ચમકતુ બનાવી દે. કાળા વાતાવરણમાં પણ તારાના ટપકાં તસવીરોમાં અંકિત થવા જોઇએ પણ એવુ ન બન્યું કારણ કે ત્યાં લ્યૂનાર મોડલ સહિત દરેક બાબતો પ્રકાશિત રહેતી હોવાથી કેમેરાનો એક્સપોઝર ટાઇમ ઓછો રાખવો જરુરી બને છે. એકદમ થોડી માત્રામાં કેમેરામાં પ્રકાશ અંદર પહોંચે તેવુ સેટીંગ ચંદ્રયાત્રીએ કર્યું હતુ. તેથી મિનિ ટપકા જેવા તારા તસવીરોમાં અંકિત થયા નહીં. ટૂંકમાં એ સેટીંગ મુજબ પૃથ્વી પરથી પણ જો તસવીરો લેવામાં આવે તો આકાશમાં તારા દેખાય નહીં.
(5) અવકાશયાત્રીઓને ચંદ્ર સુધી પહોંચવા માટે વેન એલન રેડીએશન બેલ્ટમાંથી પસાર થવુ પડે. આ બેલ્ટ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રમાં સ્થિત છે અને ત્યાંજ રહે છે. નાસાના દાવાને પોકળ સાબિત કરતી થિયરી પ્રમાણે અહીં રેડીયેશનની માત્ર અત્યંત વધારે હોય છે, જેમાંથી પસાર થતા યાત્રીઓ જીવીત રહી શકે નહીં. ભલેને સ્પેશશીપનો બાહ્યભાગ એલ્યુમિનિયમ કોટીંગથી બનેલો હોય.તો પછી તેઓ કેવી રીતે ત્યાં પહોંચી ગયા ?
♦ વૈજ્ઞાનિક તથ્ય ♦
→ નાસાએ આ બાબતનો જવાબ આપતા કહ્યુ છે કે આ બેલ્ટ પસાર કરવા માટે માત્ર થોડો જ સમય લાગ્યો હતો. માત્ર પોણા કલાકની અંદર તેઓ બેલ્ટને પાર કરી ગયા હતા. જેના લીધે તેમને અત્યંત ઓછા પ્રમાણમાં રેડીયેશનોનો સામનો કરવો પડ્યો હતો. તે સિવાય યાનનું સીલબંધ કવચ હતુ. જો કોઇ સુરક્ષા ન હોય તો યાત્રી ચોક્કસપણે મોતને ભેટે પરંતુ યાનની અંદર તેઓ કેશેટોમાં સુરક્ષિત રહ્યા હતા.
(6) ચંદ્ર પરથી પાછા ફરતી વખતે ટેક ઓફ કર્યુ ત્યારે કમાન્ડ મોડ્યુલમાં માઇકલ કોલીન્સે તેના ફોટા પાડ્યા હતા. ઉચે ઉડતા મોડ્યુલનું રોકેટ એન્જીન ચાલુ હતુ, તો ફોટોમાં ક્યાંય આગ કેમ દેખાતી નથી ? રોકેટની આગના લબકારા જ ના દેખાય તો કેવી રીતે માનવું કે કે તે ઉડી રહ્યુ હતુ અને તેમાંથી તસવીરો લેવામાં આવી હતી.
♦ વૈજ્ઞાનિક તથ્ય ♦
→ આ બાબતનો જવાબ એ છે કે જે બળતણ વાપરવામાં આવ્યું હતુ, તે પરંપરાગત નહીં પરંતુ ખાસ હતુ. તેમાં હાઇડ્રાઝિન અને ઓક્સીડાઇઝર તરીકે ડાઇનાઇટ્રોજન ટેટ્રોક્સાઇડ વાપરવામાં આવ્યા હતા. આ બન્ને કેમિકલ ભેગા થાય તો દહનક્રિયા શરુ થાય પરંતુ આગના તણખા કે ભડકો પેદા નથી થતો.
(7) તે સિવાય નાસાએ જે બે તસવીરો રજૂ કરી તેમા પણ ષડયંત્ર હોવાનો દાવો થયો હતો. એક તસવીરમાં બેકગ્રાઉન્ડમાં પહાડ છે બીજામાં પહાડ સાથે લ્યૂનાર મોડ્યુલ છે. બન્નેમાં પહાડોના આકાર અને અંતરમાં કશો ફેર પડ્યો નથી. લ્યૂનાર મોડ્યુલ સિવાયનો ફોટો લેન્ડીંગ પહેલા અથવા તો રવાના થતી વખતે લેવામાં આવ્યો હોય, તો બન્નેમાં પહાડનો સરખો બેકગ્રાઉન્ડ સ્ટુડીયોમાં બનાવીને નાસાએ ફીટ કર્યો છે.
♦ વૈજ્ઞાનિક તથ્ય ♦
→ આ બાબતમાં પણ ચંદ્ર અને પૃથ્વી પરનો ફરક કારણભૂત છે. પૃથ્વી પરનું ઘટ્ટ વાતાવરણ દૂરના ભૌગોલિક ચિહ્નોને થોડા ઝાંખા કરી દે છે. તેની ઝાંખપના આધારે આપણી આંખ તેના અંતરનો અડસટ્ટો લગાવે છે. જ્યારે ચંદ્ર પર આ સમસ્યા નડતી નથી. ત્યાં હવા ન હોવાથી દૂરની આકૃતિ પણ એકદમ સ્પષ્ટ દેખાઇ આવે છે. પરિણામે તે કેટલા અંતરે છે તેનો અંદાજો લગાવવો મુશ્કેલ બને છે. તેથી આ કિસ્સામાં બન્ને ફોટા થોડા અંતરેથી લેવામાં આવ્યા હોવાથી પરસ્પેક્ટીવમાં ખાસ ફેર પડ્યો નથી.
(8) તે સિવાય રોકેટ થ્રસ્ટના લેન્ડીંગથી નીચેની ધૂળ વેરવિખેર થઇ જાય અને રજકણો દૂર સુધી ફેલાઇ જાય. પરંતુ નીલ આર્મસ્ટ્રોંગે યાનની બાજુમાં જ્યાં પગ મૂક્યો, ત્યાં ધૂળના જાડા થરે તેની ફુટપ્રિન્ટ મેળવી લીધી. આ શક્ય નથી કારણ કે ત્યાં ધૂળનું અસ્તિત્વ શક્ય નથી.
♦ વૈજ્ઞાનિક તથ્ય ♦
→ ચંદ્ર એ પૃથ્વી નથી. તેથી આ બાબતને આ મુદ્દે સમજવુ જોઇએ. જે રીતે પૃથ્વી પર માની લો ચોખાના લોટને ફુંક મારીએ તો કેટલે દૂર પહોચે ? અને તે પણ ફૂંક મારતા રહીએ ત્યાં સુધી. ચંત્ર પર હવા છે જ નહીં, તો ધૂળના રજકણોનું આ પ્રકારનું સ્થાનાંતર થઇ શકે તેમ નથી. માત્ર એન્જીનના નાના નાળચાની આસપાસના કણો સ્થાનાંતર થાય પણ તે પણ બહુ દૂર જાય નહીં. ઉલટુ એ થર તેની આસપાસ જ રહ્યો, અને ફુટપ્રિન્ટ અંકિત થઇ ગઇ
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.