→ ભારતમાં રાજા રામમોહન રાયને નવજાગરણના અગ્રદૂત માનવામાં આવે છે. તેમણે પુર્નિવવાહ અને સતીપ્રથાને અટકાવવા માટે લડત શરૂ કરી હતી. તેમણે શરૂ કરેલી લડત સાચી અને મજબૂત હતી. તેમની આ લડતને આધાર બનાવીને ભારતના અનેક મહાપુરુષો સ્ત્રી સમાનતાના હક અને સામાજિક બદીને દૂર કરવા તેમના પગલે આગળ આવ્યા હતા.
→ સતીના નામ ઉપર બંગાળમાં સ્ત્રીઓને જીવતી બાળી નાખવામાં આવતી હતી. તે સમયે ભારતમાં બાળવિવાહનું દૂષણ પણ હતું, તો ક્યાંક ક્યાંક પચાસ વર્ષના વૃદ્ધ સાથે બાર-તેર વર્ષની છોકરીનાં લગ્ન કરી દેવામાં આવતાં હતાં. આ તમામ
કુરિવાજની સામે રાજા રામમોહન રાયે સ્વજનોની સામે જ બંડ પોકાર્યો હતો. તેમના ઉપર અનેક આરોપનું પ્રત્યારોપણ કરવામાં આવ્યું હતું, તેમ છતાં તેઓ અડગ રહ્યા હતા.
→ તેમનો જન્મ ૨૨ મે, ૧૭૭૨માં બંગાળમાં આવેલા રાધાનગરના હુગલી ગામમાં થયો હતો. તેમના પિતા એક વૈષ્ણવ બ્રાહ્મણ હતા, જ્યારે તેમનાં માતા તારિણી હતાં.
→ રાજા રામમોહન રાયે માત્ર ૧૫ વર્ષની વયે બંગાળી, સંસ્કૃત, અરબી તથા ફારસી જેવી ભાષાનું
જ્ઞાાન મેળવી લીધું હતું.
→ જ્ઞાન મેળવવાની જિજ્ઞાાસાએ તેમને હિમાલયથી લઈને તિબેટ સુધીની સફર કરાવી હતી. તેમણે વેદ, ઉપનિષદ અને હિન્દુ દર્શનનો ઊંડાણપૂર્વક અભ્યાસ કર્યો અને અંતમાં વેદાંતને જીવનનો આધાર બનાવ્યો હતો.
→ રાજા રામમોહન રાયે અનેક હિન્દુ શાસ્ત્રોનો અંગ્રેજી ભાષામાં અનુવાદ પણ કર્યો છે. તેમના આ કાર્ય પાછળ ફક્ત એટલો હેતુ હતો કે ભારતીય સંસ્કૃતિને સમગ્ર વિશ્વના લોકો જાણી શકે અને તેમના જીવનમાં તેનું આચરણ કરે.
→ રાજા રામમોહન રાયે પત્રકારત્વ ક્ષેત્રે પણ અનન્ય યોગદાન આપેલું છે. તેમણે 'બ્રહ્મમૈનિકલ' મેગેઝિન, 'સંવાદ કૌમુદી', 'મિરાત ઉલ અખબાર' અને 'બંગદૂત' જેવાં અખબારોનું સંપાદન કરેલું છે.
→ રાજા એ ખરેખરે પદવી હતી. તેઓ કોઈ ક્ષેત્ર
કે રાજ્યના રાજા ન હતા, તેમને આ માનદ
પદવી તેમનાં કાર્યોને કારણે આપવામાં આવી હતી.
→ સામાજિક અને ધાર્મિક જાગૃતિ માટે તેમણે આત્મીય સમાજ અને બ્રહ્મસમાજની રચના કરી હતી.
→ ૧૮૨૨માં તેમણે કલકત્તામાં હિન્દુ કોલેજની સ્થાપના કરી હતી અને ત્યારબાદ તેમણે વેદાંત
કોલેજની સ્થાપના કરી હતી.
→ જાતિપ્રથા, દહેજપ્રથા, બાળવિવાહનો વિરોધ, મહિલાઓને શિક્ષણ અને અંગ્રેજી ભાષાના શિક્ષણની જરૂરિયાત સમજીને તેના ઉપર વધારે ધ્યાન આપ્યું હતું.
→ ૧૮૩૦માં રાજા રામમોહન રાય ઇંગ્લેન્ડ ગયા હતા. ભારતના શિક્ષિત લોકોમાંથી તેઓ પહેલા ભારતીય હતા કે જે ભારતીય સંસ્કૃતિની ઓળખ લઈને ઇંગ્લેન્ડ ગયા હોય.
→ ૧૮૩૩માં ઇંગ્લેન્ડના બ્રિસ્ટલ શહેરમાં રાજા રામમોહન રાયે છેલ્લા શ્વાસ લીધા હતા. ત્યાં જ
તેમની સમાધિ પણ આવેલી છે અને ત્યાં જ
કોલેજ ગ્રીનમાં તેમની ભવ્ય પ્રતિમા રાખવામાં આવી છે.
→ રાજનીતિ, લોકજાગૃતિ, શિક્ષણ, સામાજિક સુધારણા અને ધાર્મિક જાગૃતિ માટે તેઓ જીવનભર લડતા રહ્યા.
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.