આ બ્લોગમાં વર્તમાનપત્રો, મેગેઝિનો, વિકીપીડીયા,GK ની વેબસાઇટો, વગેરે માધ્યમોનો સંદર્ભ તરીકે ઉપયોગ કરવામા આવેલ છે જે માટે સૌનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરુ છુ.બ્લોગથી મને લેશમાત્ર આવક નથી.જેની નોંધ લેશો.

Saturday 3 September 2016

♥ 6 લાખ સ્ક્વેરફૂટમાં પથરાયેલું છે ગુજરાતનું સૌથી મોટું આ ગણપતિ મંદિર! ♥

ભારતનું સૌથી મોટું ગણપતિ મંદિર જોઈને આજે લોકો ધન્યતા અનુભવી રહ્યા છે. અમદાવાદ-ડાકોર હાઈ-વે ઉપર આવેલ મહેમદાવાદ પાસે વાત્રક નદીના કાંઠે તૈયાર કરવામાં આવેલા સિદ્ધિ વિનાયક મંદિર ગણપતિના શરીરની આકૃતિ ધરાવતું દેશનું સૌથી વિશાળ મંદિર છે. 6 લાખ સ્ક્વેરફૂટ વિસ્તારમાં તૈયાર કરવામાં આવેલ વિશાળ મંદિરની ઊંચાઈ 71 ફૂટથી વધુ છે અને મંદિરના ચોથા માળે મુંબઈના શ્રી સિદ્ધિ વિનાયક ગણપતિની અદલોઅદલ મૂર્તિની સ્થાપના કરવામાં આવેલ છે.

આ મંદિર ભક્તો માટે શ્રદ્ધા અને પ્રવાસ ધામ બન્યું

અમદાવાદથી આશરે ૨૫ કિલોમીટર દૂર વાત્રક નદીના કાંઠે તૈયાર થયેલું વિશાળ સિદ્ધિ વિનાયક મંદિર ભક્તો માટે ત્રણ વર્ષ પહેલા જ ખુલ્લુ મુકવામાં આવ્યું હતું. દેશના આ સૌથી મોટા ગણેશ મંદિરમાં મુંબઈના સિદ્ધિ વિનાયક મંદિરમાંથી અખંડ જ્યોત લાવીને અહીં સ્થાપિત કરવામાં આવી છે. આજે પણ દર મંગળવારે અહીં મોટા પ્રમાણમાં ભક્તોની ભીડ રહે છે અને 40-50 હજાર લોકો દર્શને આવતા હોય છે. હાલ આ મંદિર અમદાવાદીઓ અને ગુજરાતના નાના-મોટા સૌ ગણેશ ભક્તો માટે શ્રદ્ધા અને પ્રવાસ ધામ બન્યું છે.

પુજારી અને ટ્રસ્ટીના માર્ગદર્શન હેઠળ મંદિરનું નિર્માણ કરાયું

મંદિરના પુજારી અને ટ્રસ્ટીઓના માર્ગદર્શન હેઠળ આ મંદિરનું નિર્માણ પણ કરવામાં આવ્યું છે. મંદિરના ટ્રસ્ટી નરેન્દ્ર પુરોહિતે જણાવ્યું હતું કે, વાત્રક નદીના કાંઠે વિશાળ જગ્યામાં દેશનું સૌથી મોટું ગણેશ મંદિર તૈયાર કરવામાં આવ્યું છે. આ મંદિરમાં વિશ્વના અન્ય ૧૦ જેટલા દેશોમાં સ્થાપિત ગણેશજીની પ્રતિકૃતિઓ પણ રજુ કરવામાં આવી છે. પાંચ માળના આ મંદિરમાં બીજા માળે ભક્તો માટે ભજન કિર્તન કરવાની સુવિધા સાથે સત્સંગ હોલનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે.


સિદ્ધિ વિનાયક મંદિરની શું છે વિશેષતા

- ૭૧ ફૂટ ઊંચી પ્રતિમા સ્વરૂપ મંદિર

- ૬,૦૦,૦૦૦ સ્ક્વેર ફૂટ વિસ્તારમાં મંદિર

- મંદિરની લંબાઇ ૧૨૦ ફૂટ, ઊંચાઇ ૭૧ ફૂટ, પહોળાઇ ૮૦ ફૂટ

- મૂર્તિની સ્થાપના જમીનથી ૫૬ ફૂટ ઊંચાઇએ.

- સિદ્ધિ વિનાયક મંદિરમાં મુંબઇની જ્યોત લાવવામાં આવી છે.

- બસ, કાર સહિતનાં વાહનો માટેનું પાર્કિગની સુવિધા.

- વૃદ્ધો અને હેન્ડીકેપ માટે લિફ્ટ અને રેમ્પની સગવડ.

- ભક્તો માટે ધર્મશાળાનું નિર્માણ.

- ઓસ્ટ્રેલિયન ટેક્નોલોજીનો ઉપયોગ કરીને અલૌકિક ડિઝાઈન તૈયાર કરાઈ છે.

- મંદિર અને મંદિર પ્રાંગણની ડિઝાઈન તૈયાર કરવા માટે રિવેટ સોફ્ટવેરનો ઉપયોગ કરાયો.

- મંદિરમાં ઠંડક રહે તે માટે વિશેષ સ્પ્રીન્કલર કુલિંગ સિસ્ટમ છે જેનાથી 10 ડિગ્રી ઓછું તાપમાન.

- બાહ્ય મંદિરનું સ્ટ્રક્ચર લાંબો સમય સુધી ટકી રહે તે માટે ફેરો સિમેન્ટનો ઉપયોગ કરાયો છે.


ગણપતિના મંદિર માટે આ સ્થળની કેમ કરાઈ પસંદગી

નરેન્દ્ર પુરોહિતે કહ્યું હતું કે, શ્રી ગણેશની સ્થાપના માટે વિધિ વિધાન મુજબ નદી કિનારો જરૂરી છે. એ ઉપરાંત તે સ્થળે સફેદ આંકડો પણ હોવો જોઈએ અને તે સ્થળ જાહેર માર્ગ ઉપર હોવું જોઈએ માટે આ જગ્યા સૌથી વધુ અનુકૂળ હતી. સામાન્ય રીતે જ્યારે કોઈ મોટા બાંધકામ કે નિર્માણ થતું હોય છે ત્યારે લોકો પોતાના વતનનું ધ્યાન રાખતા હોય છે પરંતુ અમે શાસ્ત્રોક્ત રીતે મંદિરની જગ્યા પસંદ કરીને શાસ્ત્રોક્ત રીતે મંદિરનું નિર્માણ કરાવ્યું છે.

મંદિરની સ્થાપના, વાસ્તુશિલ્પ અને બનાવટ વિશે

મંદિરની સ્થાપના વિશે નરેન્દ્રએ જણાવ્યું હતું કે એક સદવિચાર અને સમાજ ઉપયોગી કામ કરવું એ અમારા કુટુંબની અંદર વણાયેલું હતું. અમારા માતાની એક ઈચ્છા હતી કે એવું કંઈક કાર્ય કરવું જોઈએ જે સમાજ ઉપયોગી હોય અને પવિત્ર અને ધર્મનો પ્રચાર કરતી હોય. એના લીધે આ એક મંદિરની સ્થાપના કરી જેમાં અમે સિદ્ધિવિનાયક મંદિર દાદરથી ખૂબ જ પ્રેરણા પ્રાપ્ત થયેલી. મંદિરની સ્થાપના માટે જે કઈ ધાર્મિક રીતે જરૂરી હોય તે સવલતો પૂરી પાડવામાં આવેલી. સાથે જ સિદ્ધિવિનાયક મંદિર મુંબઈની સમાનતા જળવાય તેવા પ્રયાસથી જ ત્યાંની મૂર્તિ જેવી જ મૂર્તિ અહીં નિર્માણ કરવી અને ત્યાંથી જ અમે જ્યોત અહીં લાવીને સ્થાપિત કરી હતી તેથી સમાનતા રહે. મંદિરનું નિર્માણ નક્કી થયું ત્યારે વાસ્તુશાસ્ત્રી, શિલ્પશાસ્ત્રી, આર્કિટેક્ટ, સ્ટ્રક્ચરર એન્જિનિયર બધાનો સમન્વય કરી એક સુંદર ડિઝાઈન તૈયાર કરી. જેમાં શિલ્પ શાસ્ત્રી અને સોમપુરાની પણ મદદ લેવાઈ છે. આ જે ડિઝાઈન જોઈ રહ્યા છીએ તે અમારી ખુદની પ્રેરણા હતી. જેમાં એસ્ટ્રેલિયન ટેક્નોલોજીનો ઉપયોગો કરવામાં આવ્યો છે આખુ સિદ્ધિવિનાયક દાદાનું મોટામાં મોટું સ્વરૂપ મૂર્તિમંત કરેલું છે.

વ્યસનમુક્તિ માટે બનાવવામાં આવી છે અદભુત ટીમ

વિશાળ મંદિરના નિર્માણ પાછળની વિગતો જણાવતા નરેન્દ્ર પુરોહિતે વધુમાં કહ્યું હતું કે મારી માતા ડાહીબાએ મને કહ્યું હતું કે, દીકરા આપણી પાસે આટલા પૈસા છે તો તું તેનો સદઉપયોગ કરજે. આ પૈસાનો ઉપયોગ તું વ્યસન મુક્ત સમાજ બનાવવામાં કરીશ તો તારો વિકાસ થશે. તેમના આદેશથી અહીં વ્યસનમુક્તિનું એક ભગીરથ કાર્ય શરૂ કરાવ્યું છે. સિદ્ધિ વિનાયક મંદિર ખાતે વ્યસનમુક્તિ જ્યોત રાખવામાં આવી છે. જ્યાં જઇને લોકો વ્યસન છોડે છે. અમે આપણા સમાજમાંથી પાંચ લાખ લોકોને વ્યસનમુક્ત કરવાનો સંકલ્પ કર્યો છે. તેના ભાગરૂપે એક વર્ષમાં મંદિર ખાતે 20 હજારથી વધુ પુખ્તવયના લોકોએ વ્યસન મુક્તિનો સંકલ્પ કર્યો છે. આ સાથે 5555 બાળકોએ પણ જીવનમાં ક્યારેય વ્યસન નહીં કરવાની કસમ ખાધી છે. મંદિરની આસપાસના ગામોમાં જઇને અમારા મંદિર દ્વારા વ્યસનમુક્તિના કેમ્પ કરાય છે. સાથોસાથ તેમની પાસેથી પ્રતિજ્ઞાપત્રો પણ લેવામાં આવે છે. મંદિરના પ્રથમ પાટોત્સવમાં એક સાથે 3 હજાર લોકોએ વ્યસન મુક્તિના સંકલ્પ લીધા હતા. આ સાથે ત્યાં એક યજ્ઞ પણ કરાયો હતો. અહીંના યુવકોએ આ મંદિર નિર્માણના પગલે 500 યુવાનોની સિદ્ધિ વિનાયક સેના પણ બનાવી છે. સિદ્ધિ વિનાયક મંદિરની જ્યોત મુંબઈથી આવી છે જેના દ્વારા અહીં વ્યસન મુક્તિના શપથ લેવડાવવામાં આવે છે.

સામાજિક જવાબદારી અદા કરવાનો હેતુ

ગણપતિજી દરેક ભક્તોના માનાતા ભગવાન છે અને ગણપતિના દરેક સ્વરૂપને બાળકથી માડીને વડીલો સુધીના લોકોને પસંદ હોય છે અને એક અતૂટ શ્રદ્ધા પણ જોડાયેલી હોય છે. તેમની શ્રદ્ધાને ધ્યાનમાં રાખીને જ મંદિરમાં સમાજ સેવાના હેતુથી સ્ત્રીભ્રુણહત્યા અટકાવ, વ્યસનમુક્તિ અભિયાન, પ્રાચીન આયુર્વેદનો પ્રચાર-પ્રસાર, બાળકોમાં ભારતીય સંસ્કૃતિનો ફેલાવો કરવાના હેતુથી વિવિધ પ્રકારના કાર્યક્રમોનું મંદિર દ્વારા આયોજન કરવામાં આવેલું છે જે મંદિર અને મંદિર દ્વારા અમદાવાદ અને અન્ય શહેરોમાં પણ ઓયોજિત કરવામાં આવે છે. અહીં આવનાર દરેક વ્યસની યુવાનોને વ્યસનમુક્તિના શપથ લેવડાવવામાં આવે છે. અહીં નિષ્ણાત વૈદ્યો દ્વારા વિવિધ સેમિનાર અને આયુર્વેદિક દવાઓનું વિતરણ કરાવામાં આવે છે. જે શાસ્ત્રો ભૂલાતા જઈ રહ્યા છે તેનો ફરીથી જીવંત કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે. સમાજમાં ભારતીય સંસ્કૃતિનો વિકાસ થાય તેવું આયોજન કરી રહ્યા છીએ.


No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.