આ બ્લોગમાં વર્તમાનપત્રો, મેગેઝિનો, વિકીપીડીયા,GK ની વેબસાઇટો, વગેરે માધ્યમોનો સંદર્ભ તરીકે ઉપયોગ કરવામા આવેલ છે જે માટે સૌનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરુ છુ.બ્લોગથી મને લેશમાત્ર આવક નથી.જેની નોંધ લેશો.

Saturday, 18 June 2016

♥ NSG શું છે અને તેમાં સભ્ય થવું ભારત માટે કેમ જરૂરી છે? ♥


જાણો રસપ્રદ માહિતી....

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાંચ દેશોના પ્રવાસે ગયા છે. સ્વિટ્ઝરલેન્ડમાં તેમને ખુબ મોટી સફળતા મળી. અહીં જિનીવામાં સ્વિટ્ઝરલેન્ડે ન્યુક્લિયર સપ્લાયર્સ ગ્રુપ (NSG)માં ભારતના સભ્યપદ માટે સમર્થન કર્યું છે. હવે વડાપ્રધાન અમેરિકાના પ્રવાસે છે. અમેરિકા અગાઉથી જ NSGના સભ્યપદ માટે ભારતનું સમર્થન કરી ચૂક્યું છે. હવે બધાને સ્વાભાવિક પણે એમ વિચાર આવે કે આ NSG શું છે અને તેના સભ્યપદ માટે ભારત કેમ મરી પડે છે અને ચીન તથા પાકિસ્તાન કેમ ભારતનો પૂરજોશમાં વિરોધ કરી રહ્યાં છે. તો જાણીએ સમગ્ર માહિતી.

શું છે આ NSG?

ન્યુક્લિયર સપ્લાયર્સ ગ્રુપ એટલે કે NSGની સ્થાપના 1974માં કરવામાં આવી હતી.
ભારતના પ હેલા પરમાણુ પરિક્ષણના જવાબમાં તેની સ્થાપના થઈ હતી.

આ સમૂહમાં 48 દેશો સભ્યો છે. એનએસજીમાં અમેરિકા, રશિયા, ફ્રાન્સ તથા ચીન સહિત 48 સભ્ય દેશો સામેલ છે. 1974ના નવેમ્બરમાં NSGના સભ્યોની પહેલીવાર એકસાથે મુલાકાત થઈ. NSGનો હેતું પરમાણુ હથિયારનો પ્રસાર રોકવાનો છે. આ ઉપરાંત શાંતિપૂર્ણ કામ માટે જ પરમાણુ સામગ્રી અને ટેક્નોલોજીનો સપ્લાય કરવામાં આવે છે. ન્યુક્લિયર સપ્લાયર્સ ગ્રુપ આમ સહમતીથી કામ કરે છે. સૌથી મહત્વની વાત એ છે કે NSGના સભ્ય પદ માટે પરમાણુ અપ્રસાર સંધિ પર હસ્તાક્ષર ખુબ જરૂરી છે.

ભારતે હજુ સુધી આ વિવાદાસ્પદ NPT પર હસ્તાક્ષર કર્યા નથી. ભારતના પરિક્ષણે એ વાત સાબિત કરી દીધી હતી કે ન્યુક્લિયર ટેક્નોલોજીનો હથિયાર બનાવવા માટે પણ ઉપયોગ થઈ શકે છે.

જે રાષ્ટ્રો પહેલેથી જ નોન પ્રોલિફિરેશન ટ્રીટ્રી એટલે કે NPTનો હિસ્સો હતા તેઓને ન્યુક્લિયર ઈક્વિપમેન્ટ્સ અને ટેક્નોલોજીને સીમિત કરવાની જરૂરિયાત લાગી. ત્યારબાદ વર્ષ 1975થી 1978 વચ્ચે લંડનમાં અનેક બેઠકો યોજાઈ. આ બેઠકો બાદ કેટલીક ગાઈડલાઈન્સ તૈયાર કરવામાં આવી.

ઈન્ટરનેશનલ એટોમિક એનર્જી એસોસિએશન તરફથી તેમને ટ્રિગર લિસ્ટ ટાઈટલ સાથે પબ્લિશ કરવામાં આવી.

ભારત માટે કેમ જરૂરી છે NSGનું સભ્યપદ?

  દેશમાં ઉર્જાની માંગને પૂરી કરવા માટે ભારતનો ન્યુક્લિયર સપ્લાયર્સ ગ્રુપમાં પ્રવેશ જરૂરી છે.

જો ભારતને આ ગ્રુપનું સભ્યપદ મળી જાય તો ભારતને પરમાણુ ટેક્નોલોજી મળવા લાગશે.

પરમાણુ ટેક્નોલોજીની સાથે ભારતને યુરેનિયમ પણ કોઈ જ વિશેષ સમજૂતી વગર મળી શકશે.

ભારતે અમેરિકા અને ફ્રાન્સ સાથે પરમાણુ કરાર કર્યા છે.ઓસ્ટ્રેલિયા અને જાપાન સાથે પરમાણુ કરારની વાતચીત ચાલી રહી છે.

ફ્રાંસીસી પરમાણુ કંપની અરેવા જૈતાપુર, મહારાષ્ટ્રમાં પરમાણુ વીજળી સંયંત્ર લગાવી રહી છે.

આ બાજુ અમેરિકી કંપનીઓ ગુજરાતના મીઠી વિરડી અને આંધ્ર પ્રદેશના કોવાડામાં અણુમથક લગાવવાની તૈયારી કરી રહી છે. જો કે મળતી માહિતી મુજબ હવે મીઠી વિરડીના અણુમથકને સ્થાનિકોના વિરોધ બાદ આંધ્ર પ્રદેશમાં નાખવાની તૈયારી થઈ રહી છે.

NSGનું સભ્યપદ હાંસલ કરવાથી ભારત પરમાણુ ટેકનીક અને યુરેનિયમ કોઈ પણ ખાસ સમજૂતી વગર મેળવી શકશે.
પરમાણુ સંયંત્રોથી નિકળતા કચરાના નિકાલ માટે પણ સભ્ય દેશોની મદદ મળી શકશે.
NSGમાં સામેલ થયા બાદ ભારત કાયદાકીય રીતે પરમાણુ હથિયાર સંપન્ન દેશ બની જશે.
NSGમાં સામેલ થવાથી ભારતની સ્થિતિ વૈશ્વિક સ્તરે મજબુત થશે.

ચીનના વિરોધ બાદ પણ જો ભારત આ ગ્રુપમાં સામેલ થાય તો સાઉથ એશિયામાં ભારતનું કદ વધી જશે.
ભારતને આ ગ્રુપમાં આવવાથી તેના સભ્યપદ અને વિભિન્ન મામલો પર સહમતી મુદ્દે વીટોનો અધિકાર મળશે.

જેનાથી પાકિસ્તાનનું NSGમા આવવું કે નહીં તે ભારતના હાથમાં પણ હશે કારણ કે નવા સભ્યની એન્ટ્રી માટે ગ્રુપમાં સહમતી હોવી જરૂરી છે.

પાડોશી દેશ પાકિસ્તાન સાથે હથિયારોની હોડમાં આગળ નિકળવાની સાથે સાથે સાઉથ એશિયામાં પણ શક્તિ સંતુલન બનશે.

કેવી રીતે મળે છે NSGનું સભ્ય પદ?

NSGના દરવાજા આમ તો તમામ દેશો માટે ખુલ્લા છે પરંતુ નવા સભ્યો માટે કેટલાક નિયમો પણ છે.

આ ગ્રુપમાં એ જ દેશો સભ્ય બની શકે છે જેમણે એનપીટી કે સીટીબીટી જેવી સંધીઓ પર હસ્તાક્ષર કર્યા છે.

NSGનું સભ્યપદ કોઈ પણ દેશને ન્યુક્લિયર ટેક્નોલોજી અને કાચો માલ ટ્રાન્સફર કરવામાં મદદ કરે છે.

શું છે NPT ( NON-PROLIFERATION TREATY)

NPT પરમાણુ હથિયારોનો વિસ્તાર રોકવા માટે અને પરમાણુ ટેક્નોલોજીના શાંતિપૂર્ણ રીતે ઉપયોગના પ્રસાર માટેના આંતરરાષ્ટ્રીય પ્રયત્નોનો એક હિસ્સો છે.

NPTની જાહેરાત 1970માં કરવામાં આવી હતી.
અત્યાર સુધી 187 દેશોએ આ સંધી પર હસ્તાક્ષર કર્યા છે.

NPT પર હસ્તાક્ષર કરનારા દેશો ભવિષ્યમાં પરમાણુ હથિયાર વિક્સીત કરી શકે નહીં.

જો કે શાંતિપૂર્ણ ઉદ્દેશ્ય માટે પરમાણુ ઉર્જાનો ઉપયોગ કરી શકે છે.પરંતુ તેની નિગરાણી આંતરરાષ્ટ્રીય પરમાણુ ઉર્જા એજન્સી (IAEA) દ્વારા થશે.


No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.