આ બ્લોગમાં વર્તમાનપત્રો, મેગેઝિનો, વિકીપીડીયા,GK ની વેબસાઇટો, વગેરે માધ્યમોનો સંદર્ભ તરીકે ઉપયોગ કરવામા આવેલ છે જે માટે સૌનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરુ છુ.બ્લોગથી મને લેશમાત્ર આવક નથી.જેની નોંધ લેશો.

Friday, 22 April 2016

♥ કુંભમેળો ♥



ઉજ્જૈન- કુંભમેળો હિન્દુ સંસ્કૃતિના આધ્યાત્મ, સમાજ અને શ્રદ્ધાના ત્રિવેણી સંગમ સમાન છે. વિશ્વની પ્રખ્યાત યુનિવર્સિટીઝ્ અને રિસર્ચર્સે કુંભમેળાને ‘વિશ્વનું સૌથી મોટું દૈવીયશક્તિ પ્રત્યેનું શ્રદ્ધાનું કેન્દ્ર’ ગણાવ્યું છે, જેમાં શ્રદ્ધા અને વિશ્વાસના જોરે કરોડોની સંખ્યામાં માનવ મહેરામણ ઉમટે છે.

હાર્વર્ડ યુનિવર્સિટીના મતે કુંભમેળો એ માનવીય ઈતિહાસમાં યોજાતું સૌથી વિશાળ માનવ સંમેલન છે. ભારતમાં યોજાતા કુંભમેળા સાથે કેટલાક પૌરાણિક અને આધ્યાત્મિક તથ્યો જોડાયેલા છે. તે સાથે જ તેના બૌદ્ધિક અને આર્થિક પાસા પણ તેટલા જ મહત્વના છે.

કુંભમેળો પૌરાણિક દ્રષ્ટિએ

પ્રાચિન ભારતીય સાહિત્યમાં પ્રચલીત કથા અનુસાર દેવો અને દૈત્યોએ અમરત્વની પ્રાપ્તી માટે સાથે મળીને સમુદ્ર મંથન કર્યું હતું. જેમાં અમૃતની સાથે અનેક પ્રકારના રત્નો પણ નિકળ્યા હતા. પરંતુ અમૃતને પામી અમરત્વની ઇચ્છા સાથે દેવતાઓ અને દાનવો વચ્ચે યુદ્ધનો આરંભ થયો. ત્યારે અસુરોથી અમૃતને બચાવવા માટે ભગવાન વિષ્ણુના વાહન ગરૂડ અમૃતનો કુંભ ઉડવા લાગ્યા. જેથી અસુરોએ કુંભ ઝુંટવવાની કોશીશ કરતા અમૃતના કેટલાક ટીપા પ્રયાગ, હરિદ્વાર, નાસિક અને ઉજ્જૈન ખાતે પડ્યા. શાસ્ત્રો મુજબ આ ચાર જગ્યામાં અમૃતના ટીપા પડતા દૈવી ચેતનાનો વાસ થયો, જેથી લોકો પ્રત્યેક બાર વર્ષે યોજાતા કુંભમેળામાં પોતાના પાપકર્મોને ધોવા અને દૈવી આશિર્વાદ મેળવવા શ્રદ્ધાપૂર્વક ભાગ લે છે.

કુંભમેળો જ્યોતિષની દ્રષ્ટિએ

ભારતના ચાર સ્થાન હરિદ્વાર, નાસિક, ઉજ્જૈન અને પ્રયાગ ખાતે ક્રમાનુસાર પ્રત્યેક ચોથા વર્ષે કુંભમેળાનું આયોજન કરવામાં આવે છે. ગ્રહો અને નક્ષત્રોની ગણતરીના આધારે કુંભમેળાના સ્થાન અને સમયની કાલગણના કરવામાં આવી છે. તેમજ હરિદ્વાર અને પ્રયાગ ખાતે પ્રત્યેક 6 વર્ષના અંતરે અર્ધકુંભનું પણ આયોજન કરવામાં આવે છે. નાસિક અને ઉજ્જૈનમાં ઉજવાતા કુંભમેળાને સિંહસ્થ કુંભ કહેવાય છે. કેમ કે ભારતીય જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે બૃહસ્પતિ એટલેકે ગુરૂ સિંહ રાશીમાં હોય ત્યારે યોજાતા કુંભને સિંહસ્થ કુંભ કહેવમાં આવે છે. પ્રત્યેક બાર વર્ષે યોજાતા મેળાને પૂર્ણકુંભ કહેવાય છે તથા 12 પૂર્ણકુંભમેળાના પછી એટલે કે દર 144 વર્ષે પ્રયાગ ખાતે મહાકુંભમેળાનું આયોજન કરવામાં આવે છે.

કુંભનો શાબ્દિક અને મૌલિક અર્થ

કુંભ શબ્દ સંસ્કૃત ભાષાના ‘કુમ્ભમ્’ પરથી આવ્યો છે. તેનો શાબ્દિક અર્થ કળશ થાય છે. હિન્દુ સંસ્કૃતિમાં કળશને પવિત્ર સ્થાન આપવામાં આવ્યું છે. કુંભના મુખને ભગવાન વિષ્ણુ, કંઠ ભાગને રૂદ્ર અને નીચેના આધારને બ્રહ્મા સ્વરૂપ તથા વચ્ચેના ભાગને સમસ્ત દેવી-દેવતા સ્વરૂપ ગણાય છે. તેમાં રહેલ જળને ચાર વેદના સંગમનું પ્રતીક માનવામાં આવે છે. ભારતીય દર્શન શાસ્ત્ર પ્રમાણે બ્રહ્મા-વિષ્ણુ-મહેશ આ ત્રિદેવે મળીને સૃષ્ટિની રચનામાં જળની ઉત્પતિ સૌ પ્રથમ કરી હોવાનું માનવામાં આવે છે. તેથી પણ કુંભ કે જળ ભરેલા કળશને પવિત્ર માનવામાં આવે છે.

કુંભનો મૌલિક અર્થ

કુંભનો મૌલિક અર્થ મનુષ્યનું શરીર પણ થાય છે. ઉપનિષદોમાં કુંભને ઉર્જાનો સ્ત્રોત કહેવાયો છે. જેમ કુંભનો બાહરનો ભાગ ધાતુથી બનેલ છે પરંતુ તેમાં અંદરના ભાગે પાણી રહેલ છે. તેમ માનવીનું શરિર પંચ તત્વોનું બનેલું છે, પરંતુ તેમાં પાણીનું પ્રમાણ વધારે છે. શરિરરૂપી કુંભને પવિત્ર નદીમાં ઝબોળી ભક્તિ અને આધ્યાત્મનું પવિત્ર ચિંતનરૂપી જળનું સિંચન કરવાની તક એટલે કુંભમેળો.


કુંભમેળાની સામાજીક અસરો

કુંભમેળાની ધાર્મિક મહત્તા સાથે સામાજીક અસર પણ તેટલી જ મોટી છે. ભારત જેવા વૈવિધ્ય પ્રધાન દેશમાં સમાજો વચ્ચે ભાષાથી લઇને અનેક જાતના રીત-રિવાજોમાં ભિન્નતા જોવા મળે છે. ત્યારે દેશમાં યોજાતા આવા મેળાથી લોકો એકબીજાની નજીક આવે છે. લોકોમાં આધ્યાત્મિક ચેતના સાથે સામાજીક ચેતનાનો પણ સંચાર થાય છે. તેમજ કુંભમેળાના આવા આયોજનથી લાખો-કરોડો લોકોનું આવાગમન થાય છે. જેના કારણે સમગ્ર આર્થિક વ્યવસ્થાને પણ વેગ મળે છે.


No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.