કેન્દ્ર સરકારે જાહેર કરેલા અહેવાલમાં ચોંકાવનારી વિગતો પ્રકાશમાં આવી છે કે, ગુજરાતની જમીન રોજે રોજ વધી રહી છે. આ આંકડા મુજબ ગુજરાતની જમીન દર વર્ષે 22 ચો.કિ.મી. જેટલી વધી રહી છે. જમીન કેમ વધી રહી છે તે એક રહસ્ય છે. 10 વર્ષમાં કુલ 220 ચો. કિ.મી. ભૂમિ વધી છે. બીજા શબ્દોમાં આ વિસ્તાર ધોલેરા જેવું સ્માર્ટ સિટી બની શકે તેટલો વિસ્તાર કહી શકાય.
આ વધારો અગાઉના વર્ષો કરતાં અસાધારણ છે. આવું કેમ થઈ રહ્યું છે તે સમજવા માટે ગુજરાત સરકારે હજુ કોઈ અભ્યાસ હાથ ધર્યો નથી. જમીનનો આ વધારો આસપાસના રાજ્યોની સીમાની ભેળસેળ કે ઘૂસણખોરીથી વધ્યો નથી. 1960થી 1980 સુધી ગુજરાતનો કુલ વિસ્તાર 1,95,984 ચો. કિ.મી. હોવાનું ગુજરાત ગેઝેટીયરમાં જણાવાયું છે. હવે આ વિસ્તાર 1,96,244 ચો.કિ.મી. થઈ ગયો છે. 2001માં 1,96,024 ચો. કિ.મી. હતો. આમ, ગુજરાતનો પ્રથમ નકશો બન્યો ત્યારથી આજ સુધીમાં ગુજરાતની ભૂમિ 260 ચો. કિ.મી. જેટલી વધી છે. આ અંગે ગુજરાત સરકારે સર્વગ્રાહી સરવે કર્યો નથી.
♥ 1% ગુજરાત મોટું થયું. ♥
1980થી 2001 સુધીના 20 વર્ષમાં ગુજરાતનો 40 ચો.કિ.મી. વિસ્તાર વધ્યો હતો. આ વધારો 0.02 ટકા હતો. છેલ્લા અહેવાલ પ્રમાણે 10 વર્ષમાં 220 કિ.મી. વિસ્તાર વધી વધી જતાં ગુજરાત 1 ટકો મોટું થયું છે. આમ થવાનું મુખ્ય કારણ કેટલાક નિષ્ણાતો એવું માને છે કે, દરિયાના તળમાં થઈ રહેલાં ફેરફારો જવાબદાર છે.
કચ્છના રણમાં દરિયામાંથી જમીન બહાર આવી
1977 પછી કચ્છના રણની જમીન ધીમેધીમે ઉપર આવતી હતી. તેમાં 2001માં ધરતીકંપ થતાં વિસ્તાર વધારે બહાર આવ્યો છે. કચ્છના પશ્ચિમ મોટા રણમાં જમીન ઊંચકાઈ ગઇ છે. દરિયો પૂરાતાં ત્યાં સરકારે નવો રસ્તો પણ બનાવ્યો છે. વળી, સદીઓ પૂરાણા વસ્તા બંદર અને બીજા 15 શહેરો સદીઓથી દટાયેલાં હતા તે હવે સેટેલાઈટ ઈમેજમાં દેખાવા લાગ્યા છે. ઇસરોના અભ્યાસમાં આવી જાણકારી મળી હતી. આ અભ્યાસમાં એવું પણ બહાર આવ્યું છે કે, કચ્છના મોટા રણની જમીનો 60 સે.મી. જેટલી બહાર આવી છે, કે જ્યાં પહેલાં દરિયો હતો.
★ સૌરાષ્ટ્ર નીચું થઈ રહ્યું છે ★
સૌરાષ્ટ્રનો દરિયાકાંઠો 60 સે.મી. નીચો ગયો છે. તેથી ત્યાં જમીન ગરકાવ થઈ છે. આવનારા સમયમાં અહીં વધારે જમીન દરિયામાં જવાની છે. કારણ કે સમુદ્રની સપાટી વધી રહી છે.
★ ખંભાતનો દરિયો જમીન ખાય છે. ★
દરિયાની સપાટી વધી રહી હોવાથી કાંઠાળ જમીનનું ધોવાણ થઈ રહ્યું છે. વલસાડ, કચ્છ, ખંભાતનો અખાત, ખેડા જેવા વિસ્તારોમાં દરિયો કાંઠા તોડીને જમીન હડપ કરી રહ્યો છે.
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.