આ બ્લોગમાં વર્તમાનપત્રો, મેગેઝિનો, વિકીપીડીયા,GK ની વેબસાઇટો, વગેરે માધ્યમોનો સંદર્ભ તરીકે ઉપયોગ કરવામા આવેલ છે જે માટે સૌનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરુ છુ.બ્લોગથી મને લેશમાત્ર આવક નથી.જેની નોંધ લેશો.

Tuesday, 8 September 2015

♥ ભગવાન શ્રીકૃષ્ણને વહાલી વસ્તુઓનો સાંકેતિક અર્થ ♥


→ ભગવાન શ્રીકૃષ્ણની દરેક બાબતો ન્યારી છે. કહેવાય છે કે ભગવાન દ્વારા જે બાબતો સાંકેતિક રીતે કહેવામાં આવી છે તેે અંગે મનુષ્ય હજી પણ જાણી શક્યો નથી. ભગવાન શ્રીકૃષ્ણને છ બાબતો ખૂબ વ્હાલી છે. આ બાબતોનો સાંકેતિક અર્થ પણ છે પરંતુ મનુષ્ય હંમેશા તેનો સ્થુળ અર્થ લેતો રહ્યો છે અને તેથી જ દુખી થતો રહ્યો છે.

ભગવાનને વહાલી છે વાંસળી

વાંસળી ભગવાનને ખૂબ જ પ્રિય છે કેમ કે તેના ત્રણ ગુણ છે જે સમજવા જરૃરી છે. સૌથી પેહલો ગુણ એ છે કે તેમાં કોઇ ગાંઠ નથી. એટલે કે તે કોઇ પણ રીતે અટપટી નથી કે તેનામાં કોઇ ગાંઠ પડેલી નથી. આ ગુણ તે સંકેત આપે છે કે આપણાં મનમાં પણ કોઇ પ્રકારની ગાંઠ હોવી જોઇએ નહીં. સરળ ભાષામાં કહીએ તો બદલાની ભાવના આપણે રાખવી જોઇએ નહીં. કેટલીક વખત એવુ બનતુ હોય છે કે આપણા મનમાં કોઇ વ્યક્તિ વિશે ચોક્કસ ભાવના હોય છે. ભગવાન કહી રહ્યાં છે કે તમારુ મન નિર્મળ હોવુ જોઇએ તેમાં કોઇ પણ પ્રકારની ગાંઠ હશે તો તમે સાચી બાબત જોઇ શકશો નહીં તેથી તમે કોઇ ગાંઠ ન રાખશો. વાંસળીનો બીજો ગુણ એ છે કે  તમે જ્યારે તેને વગાડો ત્યારે જ તે વાગે છે. જે એ બાબતનો સંકેત છે કે જ્યાં સુધી કહેવામાં ન આવે ત્યાં સુધી બોલશો નહીં. ત્રીજો અર્થ એ લઇ શકાય કે વાંસળી જ્યારે પણ વાગે ત્યારે સરસ જ વાંગે છે. જે જણાવી રહી છે કે તમે જ્યારે પણ બોલો ત્યારે સારુ બોલો, મીઠુ બોલો. જ્યારે આવા ગુણ કોઇનામાં ઇશ્વર જોવે ત્યારે તેને હોઠેથી લગાવી લે છે. આ સિવાય જ્યોતિષશાસ્ત્રની દૃષ્ટિએ જોઇએ તો વાંસળી નકારાત્મક ઉર્જા અને કાલસર્પના પ્રભાવને દૂર કરે છે. શ્રીકૃષ્ણની કુંડળીમાં પણ કાલસર્પનો યોગ હતો તેથી તેઓને વાંસળી ખૂબ પ્રિય હતી.

ભગવાનને વ્હાલી ગાય

ભગવાન શ્રીકૃષ્ણને ગાય અત્યંત વ્હાલી હતી. તેનુ મહત્વનું કારણ એ છે કે ગાય દરેક કાર્યમાં ઉદાર હોય છે અને તમામ ગુણનો ભંડાર પણ ગાય જ છે. ગાયનુ દૂધ, દહી, ઘી, છાણ અને મૂત્ર પણ ખૂૂબ ઉપયોગી છે. શાસ્ત્રોમાં પણ કહેવાયુ છે કે ગાયનાં તમામ ગુણ  જીવનમાં ઉતારવાથી જીવન ઉદ્દાત બની જાય છે. માનવામા આવે છે કે ગાયની ઉપરોક્ત જણાવેલ પાંચ વસ્તુઓ લેવાથી શરીરમાં કોઇ પણ રોગ થતો નથી અને શરીરમાં કોઇ પણ પાપ રહેતુ નથી. શાસ્ત્રમાં એવુ પણ લખ્યુ છે કે જે કોઇ ગાયની પ્રદક્ષિણા કરીને તેને પ્રણામ કરશે તેને તમામ પાપોમાંથી મુક્તિ મળશે અને તેને સ્વર્ગનુ સુખ મળશે.

ભગવાનને વહાલુ મોરનું પીંછું

મોરને ચિરબ્રહ્મચર્ય યુક્ત પક્ષી ગણવામાં આવે છે. અંતઃ પ્રેમમાં બ્રહ્મચર્યની  મહાન ભાવનાને સમાહિત કરવાના પ્રતિક રૃપે કૃષ્ણ મોરપંખ ધારણ કરે છે. ખાસ કરીને મોર મુકુટ અને તેનો ઘાટો રંગ  જીવનમાં આવતા દુખ અને સમસ્યાઓનુ પ્રતિક માનવામાં આવે છે તો બીજી તરફ એક પીંછામાં હળવો રંગ પણ છે જે  સુખશાંતિ અને સમૃદ્ધિનુ પ્રતિક માનવામાં આવે છે. આ પણ કાલસર્પના અશુભ પ્રભાવથી બચાવે છે.

ભગવાનને વહાલુ કમળ

 કમળ કાદવમાં ઉગે છે.  કાદવમાંથી જ પોષણ લે છે તેમ છતાં તેનાથી અલગ રહે છે. આ સિવાય કમળ પવિત્રતાનું પણ પ્રતિક છે. તેની સુંદરતા અને સુગંધ પણ સૌનુુ મન મોહી લેનાર હોય છે. સાથે સાથે સૌથી મહત્વની બાબત એ છે કે કમળ આપણને શું સંદેશ આપે છે. કમળ આપણને સંદેશ આપે છે કે જે રીતે તે કાદવમાં રહીને પણ તેનાથી અલગ રહી શકે છે તે રીતે આપણા સમાજમાં પણ કાદવ રૃપી ઘણી ખોટી બાબતો હોય છે. પરંતુ તમારે તેનાથી અલગ રહેવાનું છે. ભલે તે તમારી આસપાસ હોય અને તે આકર્ષિત કરે તેવી હોય પંરતુ તમારે તેનાથી એક સલામત અંતર રાખવાનું છે.  ખોટી બાબતો તો હંમેશા તમારી આસપાસ રહેવાની જ છે પરંતુ તમારે તેને વશ થવાનુ નથી અને તેનાથી અલગ રહીને સતકર્મો કરવા પર ધ્યાન આપવાનું છે.

ભગવાનને વહાલી માખણ મિસરી

ભગવાનને માખણ અને મિસરી ખૂબ જ વહાલી છે. મિસરીનો એક મહત્વનો ગુણ એ છે કે જ્યારે તેને માખણમાં નાખવામાં આવે ત્યારે તે માખણના કણ કણમાં સમાઇ જાય છે અને સમગ્ર માખણને મીઠાશયુક્ત કરી દે છે. માખણના પ્રત્યેક ભાગમાં તમે મિસરીની મીઠાસ અનુભવી શકશો. અહીં માખણ આપણુ જીવન છે અને મિસરી પ્રેમ છે. તમારે તમારા જીવનને પ્રેમયુક્ત બનાવવાનું છે. તમારા જીવનમાં પ્રેમ રૃપી મિસરી હોય તે જરૃરી છે.

ભગવાનને વહાલી વૈજયંતિ માળા

ભગવાનના ગળામાં વૈજયંતિ માળા છે.  આ માળા કમળના બીજની બનેલી હોય છે. વાસ્તવમાં કમળના બીજ ખૂબ જ સખત હોય છે જે ક્યારેય ખરાબ થતા નથી, સડતા નથી, અને હંમેશા ચમકદાર હોય છે. તેનો સીધોે અર્થ એવો છે કે જ્યાં સુધી જીવન છે ત્યાં સુધી તેને એવી રીતે જીવવાનું છે કે જેથી તમને જોઇને અન્ય કોઇ  વ્યક્તિ દુખી  ન થાય. તેનો બીજો અર્થ કરવો હોય તો તેવો કરી શકાય કે  આ માળા છે બીજની. અને બીજનું અંતિમ ધ્યેય હોય છે જમીન. કહેવાનો સીધો અર્થ એવો છે કે તમે ગમે તેટલા મોટા થઇ જાવ તમારે હંમેશા તમારી જમીનથી જોડાયેલા રહેવાનું છે.

આટલી સાંકેતિક બાબતો જો મનુષ્ય સારી રીતે સમજી શકે તો પણ તેનુ જીવન સાર્થક થઇ જાય પંરતુ આપણે હંમેશા તેમની વાતોનો સ્થૂળ અર્થ જ લઇએ છીએ તેથી તમને વાતનો સાચો મર્મ પામી શકતા નથી.

~ ♥ સૌજન્ય ''નોબત'' સમાચારપત્ર ♥ ~

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.