★ સાભાર :- નોબત સમાચાર ...
~~~ ♥ તિલકની પરંપરા ♥ ~~~
તિલકની પરંપરા માટે એમ માનવાને કારણો મળ્યા છે કે તે પૌરાણિક યુગમાં વધુ પ્રચલિત થઈ હતી. કેટલાક વિદ્વાનોના માનવા પ્રમાણે તેની શરૃઆત દક્ષિણ ભારતમાંથી થઈ હતી.
પ્રાચીનકાળમાં વર્ણવ્યવસ્થા અસ્તિત્વમાં હતી અને તે સમયે ચાર વર્ણ હતાં- બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. આ ચારેય વર્ણના લોકોની ઓળખ માટે તે સૌના કર્તવ્ય મુજબના તિલક તે સૌ કરતા હતાં. પૌરાણિક માન્યતા પ્રમાણે બ્રાહ્મણો પોતાની ધાર્મિક કે વ્યવસાયની પવિત્રતાના પ્રતીક તરીકે સફેદ રંગનું તિલક કરતા હતાં. ક્ષત્રિયોનું કામ રક્ષા કરવાનું હોવાથી તેઓ લડાયક વૃત્તિ દર્શાવવા લાલ કુમકુમનું તિલક કરતા હતાં. વૈશ્યો વેપારી હતાં અને સંપત્તિના સર્જક તરીકે ધન-દોલત સાથે તેમને સંબંધ હતો તેથી પીળું કેસરનું તિલક કરતાં હતાં. જ્યારે શૂદ્રો અન્ય ત્રણે વર્ણના લોકોને મદદરૃપ થતા હોવાથી ભસ્મનું, કસ્તુરી કે કોલસાનું કાળું તિલક કરતા હતાં.
આગળ જતા આ પરંપરાએ જ્ઞાતિ, ધર્મ, સંપ્રદાય અને વિવિધ આરાધ્ય દેવોના પ્રતીક પ્રમાણે રંગ અને આકાર બદલ્યા હતાં. અમુક જ્ઞાતિના લોકો, અમુક ધર્મના લોકો, અમુક ભગવાનને માનનારા લોકોએ તેઓના ગુરુજનોએ કહેલ અને માન્ય રાખેલ તિલક કરવાનું શરૃ કર્યું હતું. આથી એક વાત તો નિશ્ચિત બની જતી હતી કે અમુક પ્રકારનું તિલક અમુક લોકોના કપાળમાં જોવાથી તેઓ ક્યા ધર્મના અનુયાયી છે તે માલુમ પડી જતું હતું. જ્યારે આવા સજ્જન સામે આવી જાય તો આપણે તેમના તિલકને જોઈને 'જય સ્વામિનારાયણ' કે 'જય જિનેન્દ્ર' પ્રણામ, જયશ્રી કૃષ્ણ તરત જ બોલી શકતા હતાં.
સૌથી મહત્ત્વની અને નવાઈ પમાડે તેવી બાબત એ છે કે આ પરંપરા ફક્ત ભારત દેશમાં જ છે અને આ અનુપમ પરંપરાને લીધે વિશ્વભરમાં ભારતીયો વિશિષ્ટ રીતે ઓળખાય છે. ઘણા વિદેશીઓ આ પરંપરા અંગે પૂછપરછ કરતા હોય છે, ત્યારે તેઓને જે જવાબ આપણા ગુરુજનો તરફથી મળે છે તે આ પરંપરાનું હાર્દ સમજાવે છેઃ
આપણા સમગ્ર દેહમાંથી ઊર્જા સતત વહેતી હોય છે. તેનું સ્વરૃપ ઈલેક્ટ્રો-મેગ્નેટિક (વિદ્યુત ચુંબકીય) છે અને તેનું મધ્યબિન્દુ કપાળમાં બે ભ્રમરોની વચ્ચે હોય છે, જ્યાં તિલક કરવામાં આવે છે. કપાળમાં રહેછું આ બિન્દુ ઘણી બધી રીતે મહત્ત્વનું છે. માથું દુઃખતું હોય ત્યારે એક્યુપ્રેશર જાણનાર વ્યક્તિ આ બિન્દુ ઉપર અંગૂઠો મૂકી દબાણ (પ્રેશર) આપતી હોય છે અને ખરેખર તે પછી માથાના દુઃખાવામાં રાહત થાય છે. સંમોહન વિદ્યા જાણનાર લોકો પણ આ બિન્દુ પર જ ધ્યાન કેન્દ્રિત કરતા હોય છે. શારીરિક રીતે જોઈએ તો જ્યારે વ્યક્તિને કોઈ ચિંતા સતાવતી હોય છે ત્યારે આ બિન્દુની આસપાસનું કપાળ ગરમ થઈ જાય છે અને માથાનો દુઃખાવો શરૃ થાય છે. આ સમયે આ બિન્દુની આસપાસના કપાળમાં ચંદનનો લેપ કરવાથી રાહત થાય છે. આથી જ તો કેટલાંક લોકો કેસર-સુખડનું તિલક રોજ કરતા હોય છે.
આ બધા કારણોસર કપાળમાં આ જગ્યાએ તિલક કરવાનું આપણા પૂર્વજોએ નક્કી કર્યું હોવું જોઈએ અને તે પછી તેની વિવિધ સ્વરૃપે પરંપરા શરૃ થવી હોવી જોઈએ તેમ ઘણા લોકો માને છે.
કપાળમાં તિલક એ સૌભાગ્યની નિશાની છે. સ્ત્રીઓના કપાળમાં તિલક અને સેંથામાં સિંદુર હોવું કે ન હોવું તેના વૈવાહિક જીવનની જાણ કરી દે છે.
આપણા દેશમાં દરેક શુભકાર્યની શરૃઆતમાં અને કોઈપણ ક્ષેત્રે વિજય મેળવ્યા પછી તિલક કરવાનો અનુપમ રિવાજ છે જેનો જગતભરમાં જોટો નથી.
~~~ ♥ આરતી પાછળનો હેતુ શું...? ♥ ~~~
ભારતમાં ભાગ્યે જ કોઈ વ્યક્તિ એવી હશે કે જેણે મંદિરમાં આરતી થતી ન જોઈ હોય. નાનકડી હથેળી જેવા આકારની વાડકી જેમાં ચોખ્ખા ઘીની દિવેટ મૂકેલી હોય અને સ્વચ્છ હાથથી પકડી જેને ફેરવવામાં આવે તેને આરતી તરીકે ઓળખવામાં આવે છે. આવી આરતી એક દીપકની હોય છે તો એક હજાર એક દીપકની પણ હોય છે. સામાન્ય રીતે આરતી સાત દીપકની હોય છે. જેનો સાત દીપકની આરતી અને એક દીપકનો મંગળ દીવો એમે બે પ્રકારે આરતીની વિધિ કરતા હોય છે. મંદિરમાં પ્રભૂની બીજી બધી પૂજાવિધિ પૂર્ણ થાય પછી આરતીની વિધિ કરવામાં આવે છે. સંતોનું કહેવું છે કે પરમેશ્વરનો સત્કાર કરવા પ્રકાશ પાથરવાની વિધિ એટલે આરતી.
પુરાણા સમયમાં મંદિરોના ગર્ભગૃહોમાં અંધારૃં ઘણું રહેતું. દીવાની જ્યોતથી ભગવાનના દર્શન તો થતા, પરંતુ ભગવાનના અંગેઅંગના દર્શન કરવા દીવાની જ્યોતને પ્રભૂના નખથી શિખા સુધી ફેરવવામાં આવતી. આ હતી આરતીની શરૃઆતની વિધિ. તે પછી આરતીની અલગ વિધિ શરૃ થઈ જેની સાથે પ્રભૂની ભક્તિનું સંગીત પણ ઉમેરાયું.
સામાન્ય રીતે આરતી જમણા હાથે પકડીને જમણેથી ડાબે એમ ગોળાકારમાં ઉતારવામાં આવે છે. જૈનો આરતીને થાળમાં મૂકી બેઉ હાથે થાળ પકડી આરતી ઉતારે છે. આરતી ઊતરતી હોય છે ત્યારે ઘંટનાદ, શંખનાદ, હાથથી તાળીઓ વગેરે વગાડી આરતીનું પદ ગાવામાં આવે છે. દરેક દેવતાઓની આરતીના પદો અલગ અલગ હોય છે.
આરતી સંપૂર્ણપણે ધાર્મિક વિધિ છે અને તેનો હેતુ પ્રભૂભક્તિનો આનંદ વ્યક્ત કરવાનો છે. આ આનંદ એટલા માટે વ્યક્ત કરવામાં આવે છે કે જીવપ્રાણી માત્ર ઉપર કૃપા કરી પરમકૃપાળુ પરમાત્માએ પંચમહાભૂતની ભેટ આપી છે- સ્થિર રહેવા માટે ૫ૃથ્વી રચી, જીવવા માટે જળ આપ્યું, ધાન્ય ઉત્પન્ન કરવા માટે સૂર્ય-ચંદ્રરૃપી તેજ આપ્યું, અન્ન પકાવવા અગ્નિ આપ્યો અને અન્ન પચાવવા જઠરાગ્નિ આપ્યો, પ્રમાણને ધરવા શ્વાસ-વાયુ આપ્યા અને હલનચલન માટે અવકાશ-આકાશ આપ્યા. ભગવાનની આ પંચમહાભૂતોનું ઋણ અદા કરવા આપણે આરતીરૃપે તેઓનું અભિવાદન કરીએ છીએ.
વ્યવહારિક રીતે જોઈએ તો જે વ્યક્તિ સમગ્ર દિવસ દરમિયાન વ્યસ્તતાને કારણે મંદિરે ન જઈ શક્યો હોય તે જ્યારે મંદિરમાં થતી આરતીનો ઘંટારવ સાંભળે છે ત્યારે તે જ્યાં હોય ત્યાં ઘડીભર ઊભો રહી જાય છે. મનોમન પ્રભૂને યાદ કરી લે છે અને સહજ ભાવે માથું નમાવી દે છે.
ગામડાંઓમાં હજી આજેય સાંજ અને રાત્રિ વચ્ચેના સમયને 'આરતીટાણું' કહે છે. જેનો અર્થ થાય છે કે જીવનનિર્વાહ માટેની દોડધામ પછી હવે સાંજ પડી ગઈ છે. હવે બધું કામકાજ બંધ કરી થોડીવાર માટે પણ પ્રભૂને યાદ કરી લેવા જોઈએ.
આરતી મંદિરમાં પ્રભૂ સમક્ષ કરવામાં આવતી વિશિષ્ટ વિધિ છે. આ ઉપરાંત જે સંતો, મહાપુરુષોના આપણા ઉપર ઉપકાર છે તેઓની પણ આરતી ઉતારવામાં આવે છે.
~~ ♥ 'ૐ' (ઓમ્) કેમ બોલવામાં આવે છે...? ♥ ~~
ભારતની ધાર્મિક પરંપરાઓમાં ૐ એ પરમાત્માનું નામ છે. તેનું બંધારણ ત્રણ મૂળાક્ષરો-અ, ઉ અને મથી બનેલું છે. આપણા ગળામાં આવેલી સ્વરપેટીમાં પહેલો ધ્વનિ 'અ' હોય છે. તે પછી બંને હોઠ ગોળાકારમાં આવે છે ત્યારે 'ઉ'નો ઉચ્ચાર થાય છે અને હોઠ બિડાઈ જાય છે ત્યારે 'મ'નો ઉચ્ચાર બને છે. આપણા ઋષિમુનિઓએ આ ત્રણ અક્ષરને જાગૃત, સ્વપ્ન અને સુષુપ્તિ અવસ્થાના અક્ષરો કહ્યા છે. તેને બ્રહ્મા, વિષ્ણુ અને શિવ એ દેવત્રિપૂટિના પણ ગણવામાં આવે છે. તો કેટલાક ગુરુજનો તેને ઋક્ર, સામ અને યજુ એ ત્રણ વેદોના મૂળાક્ષર ગણે છે, અને તેને ભુર્, ભુવઃ અને સ્વઃ એ ત્રિલોકના પ્રતીક માને છે. સંતોનું માનવું છે કે વેદોનો સમગ્ર સારમાં સમાઈ જાય છે. ૐને પ્રણવ પણ કહે છે કારણ કે તે નામ માત્રથી પ્રભૂના ગુણગાન ગવાઈ જાય છે.
આ બધા કારણોસર કોઈપણ કાર્યનો શુભારંભ ઁકારના ઉચ્ચારણથી કરવામાં આવે છે. ભારતીય ધાર્મિક માન્યતા પ્રમાણે પરમાત્માએ સુષ્ટિનું સર્જન અને અથના મંત્રોચ્ચારથી કર્યું હતું. ઘંટનાદમાં પણ ૐકારનો પ્રતિધ્વનિ સંભળાય છે. ૐ શબ્દ સાંભળતા મનને શાંતિ મળે છે. નાભિમાંથી બોલાતા ૐ શબ્દથી શરીર, મન અને હૃદય એકરૃપ થઈ ગજબની શાંતિ અનુભવે છે તે સર્વવિદિત વાત છે.
ૐની ધાર્મિક માન્યતાનો ભારતના દરેક ધર્મમાં વિધિપૂર્વક સ્વીકાર થયો છે. દરેક ધર્મના શ્લોકની શરૃઆતમાં ૐ મૂકવામાં આવે છે. મંત્ર અને જાપમાં પણ ૐનું સ્થાન મોખરાનું છે. અભિવાદનમાં પણ ૐનો ઉપયોગ કરવામાં આવે છે જેમ કે હરિ ૐ.
ૐ ઉચ્ચારની શરીર અને મન ઉપર પડતી અસરો અંગે પણ સંશોધનો થયા છે અને સિદ્ધ થયું છે કે નાભિમાંથી- એટલે કે શ્વાસના ઊંડાણથી બોલાતા ૐ શબ્દથી એકાગ્રતા- માનસિક અને શારીરિક બંને પ્રકારે આવે છે. માનસિક અશાંતિ અનુભવતા લોકોને શાંત સ્થળે બેસી મોટેથી ૐ બોલવાનું કહેવામાં આવે છે અને તેનાથી તે લોકોને લાભ થાય છે તેમ વૈદરાજોનું કહેવું છે.
આમ સમગ્ર રીતે જોઈએ તો ૐ સર્વસ્વ છે. જીવનનું સાધન અને સાધ્ય, જગત અને તેની પાછળનું સત્ય, જડ અને ચેતન, આકાર અને નિરાકાર- આ બધું જ ૐમાં સમાયેલું છે.
કઠોપનિષદ પ્રમાણે ભૂત, વર્તમાન અને ભવિષ્યકાળ અને તેનાથી પણ ઉપરના આયામ તરીકેના 'ઓમ્'ના નાદને માનવામાં આવે છે.
'ઓમ્' મંત્ર છે અને બીજ પણ છે માટે તેને બીજમંત્ર કહે છે. તેથી દરેક બીજમંત્રોની આગળ અને પાછળ 'ઓમ્' લગાડવામાં આવે છે. 'ઓમ' ના ઉચ્ચારમાં વિશ્વ સમસ્ત અને સર્વસ્વનો સમાવેશ થઈ ગયેલો માનવામાં આવે છે.
★ યહૂદી, ખ્રિસ્તી અને ઈસ્લામ ધર્મોમાં પણ પ્રાર્થનાના અંતે 'ઓમેન', 'આમેન' અને 'આમીન' જેવા શબ્દોચ્ચાર કરીને પ્રાર્થના સમાપન કરવામાં આવે છે.
~~~ ♥ માળા એટલું શું...? ♥ ~~~
★ તેમાં ૧૦૮ મણકા કેમ રખાય છે...? ★
સંસારની આંટીઘૂંટી, જીવનનિર્વાહ માટેની દોડધામ અને ક્યારેક આળસના લીધે મનુષ્ય દિવસમાં એક વાર પણ પરમકૃપાળુ પરમાત્માનું સ્મરણ કરતો નથી હોતો. આવી પરિસ્થિતિથી આપણા પૂર્વજો અજાણ ન હતાં. ઋષિમુનિઓ આવા વ્યસ્ત મનુષ્યોને દિવસમાં એક વાર પ્રભૂસ્મરણ કરવાની પ્રેરણા આપતા હતાં. જે આગળ વધતા પાંચ વાર અને પછી અગિયાર વાર નામસ્મરણ કરવા કહેતા. પ્રભૂસ્મરણ માટે પોતે આપેલ મંત્ર જપવા માટે જ્યારે ચોક્કસ ગણતરીની જરૃરત ઊભી થઈ ત્યારે મણકાવાળી માળાનો જન્મ થયો હોવો જોઈએ તેમ માનવામાં આવે છે.
બહુ જ સાદા અર્થમાં કહીએ તો મંત્ર-જાપની ગજણતરીની સાનુકૂળતા માટેનું સાધન એટલે માળા.
આ માળા ૧૦૮ મણકાની બનાવવામાં આવી તે પાછળનું રહસ્ય જાણવા જેવું છે.
મનુષ્યની શારીરિક રચના મુજબ તે ૧ મિનિટમાં ૧પ વાર શ્વાસ લે છે. આ ગણતરી પ્રમાણે મનુષ્ઠ ર૪ કલાકમાં ર૧,૬૦૦ વાર શ્વાસ લે છે. આપણા શાસ્ત્રોમાં પણ તેની નોંધ છે. રાત્રિના ૧ર કલાક જો બાદ કરી લઈએ તો દિવસના ૧ર કલાકમાં મનુષ્ય ૧૦,૮૦૦ વાર શ્વાસ લે છે. સ્વાભાવિક છે કે દરેક શ્વાસે ભગવાનનું સ્મરણ ન થઈ શકે, પરંતુ જો વિધિપૂર્વક મંત્રનો જાપ કરવામાં આવે તો પ્રત્યેક મંત્રજાપનું ૧૦૦ ગણું ફળ મળે છે. ઋષિમુનિઓના આ વિધાન મુજબ દિવસ દરમિયાન જો ૧૦૮ વાર મંત્રનો વિધિપૂર્વક જાપ થાય તો તેનું ૧૦૦ ગણું ફળ મળે. તે ગણતરીએ માળામાં ૧૦૮ મણકા પરોવવામાં આવ્યા હતાં.
૧૦૮ મણકાની એક માળા મંત્રજાપ કરી ફેરવવાથી શ્વાસેશ્વાસે ભજન કર્યું ગણાય. આમ દિવસમાં એક માળા ફેરવવી એ પ્રભૂભજનનું પહેલું પગથિયું ગણાય છે.
૧૦૮ માણકા માટેનો બીજો મત ખગોળશાસ્ત્રીય છે. ખગોળશાસ્ત્ર પ્રમાણે સૂર્ય-ચંદ્રના આધારે પૃથ્વી ઉપર ઋતુચક્ર ચાલે છે. સૂર્યના માર્ગને પ્રાચીન ઋષિ-વૈજ્ઞાનિકોએ ર૭ વિભાગોમાં વહેંચીને પ્રત્યેક વિભાગમાં રહેલા તારાઓના સમૂહને 'નક્ષત્ર' સંજ્ઞા આપી છે. આ નક્ષત્ર માળાના આધારે આપણી માળાની કલ્પના કરવામાં આવી છે. પ્રત્યેક નક્ષત્રમા ચાર ચરણ હોય છે. આથી ર૭ નક્ષત્રોના મળીને કુલ ૧૦૮ ચરણ થાય છે તેથી માળાના મણકાની સંખ્યા ૧૦૮ રખાઈ છે તેમ આપણા પૂર્વજોનું માનવું છે.
બ્રહ્માંડની નક્ષત્રમાળા જેને કેન્દ્રમાં રાખીને ફરે છે તે સ્થાનને 'સુમેરુ પર્વત' નામથી શાસ્ત્રમાં વર્ણવવામાં આવ્યું છે. આથી માળાના બંને છેડા જ્યાં મળે છે તે સ્થાનને અને તે મણકાને 'સુમેરુ' કહેવામાં આવે છે જે અપભ્રંશ થઈ મેરુ તરીકે ઓળખાય છે. જ્યારે માળા ગણતાં મેરુનો મણકો આવે છે ત્યારે ૧૦૮ મંત્રજાપ પૂરા થયાનો સંકેત મળે છે અને ભાવિકો તે સમયે મેરુને આંખે અડકાડે છે. મેરુના મણકાને રેશમના દોરાના ગુચ્છાથી પરોવવામાં આવે છે.
માળાના આ મણકાઓ વિવિધ પ્રકારની વસ્તુઓમાંથી બનાવવામાં આવે છે, પરંતુ શાસ્ત્રોક્ત રીતે આ મણકા સુખડના કે નીમ તથા તુલસીના લાકડાના કે સાદા લાકડાના હોય તે પસંદ કરવામાં આવે છે. ગળામાં પહેરવાની માળા તુલસીના લાકડામાંથી બનાવવામાં આવે છે જેનાથી કેટલાક રોગોમાં રાહત થાય છે.
મનુષ્યના પોતાના મનની શાંતિ માટે, પરમાત્માના ઉપકારોનું ઋણ અદા કરવા માટે માળા દ્વારા મંત્રજાપ કરે છે.
દરેક ધર્મમાં મણકાની સંખ્યા નિર્ધારીત થયેલ છે, જેમ કે ઈસ્લામ તસ્બીહમાં ૯૯, જૈનો - ૧૧૧, પયંગબર - ૧૦૧, કેથલિક - ૧૫૦ અને રોમન ધર્મમાં ૧૮૦ મણકાની માળા હોય છે.
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.