આ બ્લોગમાં વર્તમાનપત્રો, મેગેઝિનો, વિકીપીડીયા,GK ની વેબસાઇટો, વગેરે માધ્યમોનો સંદર્ભ તરીકે ઉપયોગ કરવામા આવેલ છે જે માટે સૌનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરુ છુ.બ્લોગથી મને લેશમાત્ર આવક નથી.જેની નોંધ લેશો.

Saturday, 14 January 2017

♥ આર્કટિક શિયાળ ♥



આર્કિટક શિયાળ’ એક એવું સુંદર શિયાળ છે જેનો રંગ ઋતુ મુજબ બદલાય છે. શિયાળાના સમયગાળામાં તેનો રંગ સફેદ હોય છે જેથી તે તેની આસપાસના બરફ સાથે એકદમ ભળી જાય છે. જ્યારે ઉનાળાના સમયગાળામાં તેનો રંગ બ્રાઉન થઈ જાય છે જે ગરમીના વાતાવરણને અનુકૂળ હોય છે. નામ પરથી જ ખ્યાલ આવી જાય છે કે ‘આર્કિટક શિયાળ’ આર્કિટકમાં ખૂબ જ નીચા તાપમાનમાં રહેનારું પ્રાણી છે. પુખ્ત વયના આર્કિટક શિયાળ ૫ થી ૧૦ પાઉન્ડના હોય છે. તેઓનું કદ તેઓના ખોરાક મુજબ નક્કી થતું હોય છે. સામાન્ય રીતે નર આર્કિટક શિયાળ માદા કરતાં મોટું કદ ધરાવતા હોય છે.

આર્કિટક શિયાળના શરીર પર ગીચ રુવાંટી હોવાથી તે અત્યંત ઠંડા વાતાવરણમાં આરામથી વસવાટ કરી શકે છે. તેના શરીરની રચના ઠંડા વાતાવરણને ઘણી અનુકૂળ હોય છે. તેના પગના તળિયા પણ રુવાંટીવાળા હોય છે. આથી તે બરફ પર આસાનીથી હરીફરી શકે છે. તેના કાન લાંબા અને અણીદાર ટોચવાળા તથા નાક લાંબુ અને સાંકડું હોય છે, આ કારણે તે સરળતાથી કોઈપણ ગંધ પારખી શકે છે અને રાત્રે ખૂબ જ સારી રીતે જોઈ શકે છે. તે નિશાચર પ્રાણી છે.

આર્કિટક શિયાળની ઉત્ક્રાંતિની પ્રક્રિયા એવી છે કે તેમને નવા વાતાવરણમાં ટકી રહેવા સક્ષમ બનાવે છે. વર્ષનો મોટાભાગનો સમય આર્કિટક શિયાળનો રંગ સફેદ રહે છે, જે તેમની ઉત્ક્રાંતિની પ્રક્રિયાને કારણે છે. તેમના ભક્ષકો સામે અસ્તિત્વ ટકાવી રાખવા તેમને આ રંગની આવશ્યકતા હોય છે. સફેદ રંગની એ ગાઢ રુવાંટીનું સ્તર તેમના શરીરને ગરમાવો આપે છે આથી ઠંડી સામે પણ તે ટકી રહી શકે છે.

શિયાળની બીજી પ્રજાતિઓ મોટાભાગે એકાંતમાં સમય વિતાવે છે જ્યારે આર્કિટક શિયાળ સામાજિક પ્રકારનું છે. તેઓ એકબીજાની સુગંધ દ્વારા એકબીજાની ઓળખ કરે છે. માદા બચ્ચું મોટું થઈને એકલું રહેતું થઈ ગયા બાદ પણ પોતાની માતાની મુલાકાત લેવા આવે છે.

ખૂબ જ ઠંડીમાં રહી શકે તેવા ઘણા ઓછા પ્રાણીઓ હોય છે, તેમાંનું એક આ પ્રાણી પણ છે. આથી તેઓને વસવાટ માટે ઘણી વિશાળ જગ્યા મળી રહે છે. જ્યાં બહુ ઊંડો બરફ ના હોય તેવા સ્થળોને તેઓ રહેવા માટે પસંદ કરે છે. તેમનું શરીર ઠંડા વાતાવરણ માટે જ બનેલું હોવા છતાં તેમને કોઈ આશ્રયની જરૃર પડે છે. તેઓ ભૂગર્ભમાં ટનલમાં રહે છે.

મોટાભાગના આર્કિટક શિયાળ ખોરાક તરીકે લેમિંગ ખાય છે. લેમિંગ ઠંડા પ્રદેશનું ઉંદરની જાતનું એક પ્રાણી છે. તેઓ માછલી અને સીલના બચ્ચા પણ ખાય છે. તેમના ખોરાકના સ્ત્રોતમાં સ્થળ અને ઋતુ મુજબ ફેરફાર થતો હોય છે. તેમને તક મળે તો પક્ષીઓના ઈંડા પણ ખાય છે.

આર્કિટક શિયાળની પ્રજનન ઋતુ ખૂબ લાંબા સમય સુધી ચાલે છે. જૂનથી ઓગસ્ટ દરમિયાન તેઓ આ પ્રક્રિયામાં ભાગ નથી લેતા. દરેક જોડી ત્યાં સુધી એકબીજાનો સાથ નિભાવે છે જ્યાં સુધી બેમાંથી કોઈ એકનું મૃત્યુ ના થાય. તેમના બચ્ચાઓનો મૃત્યુદર ખૂબ ઊંચો હોય છે. માદા અને નર બંને પોતાના બચ્ચાનાં ઉછેરમાં સક્રિય ભૂમિકા ભજવે છે અને ખૂબ ધીરજપૂર્વક વર્તે છે. માદા પોતાના બચ્ચાને હૂંફ આપવા તેની સાથે ગુફામાં જ રહે છે જ્યારે નર પોતાની માદા અને બચ્ચાનાં રક્ષણ માટે બહાર ખોરાકની શોધ માટે જાય છે.

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.