આ બ્લોગમાં વર્તમાનપત્રો, મેગેઝિનો, વિકીપીડીયા,GK ની વેબસાઇટો, વગેરે માધ્યમોનો સંદર્ભ તરીકે ઉપયોગ કરવામા આવેલ છે જે માટે સૌનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરુ છુ.બ્લોગથી મને લેશમાત્ર આવક નથી.જેની નોંધ લેશો.

Saturday, 6 August 2016

♥ કોઇપણ શહેરમાં ગટરના ઢાંકણ મોટેભાગે ગોળ જ કેમ હોય છે? ♥

કોઈપણ શહેરના કોઈપણ રસ્તા ઉપર તમે ચાલો તો રસ્તામાં ઠેકઠેકાણે ગટરનાં ઢાંકણાં અચૂક જોવા મળશે. અને જો ધ્યાન આપશો તો ખ્યાલ આવશે કે ગટરનાં બધા જ ઢાંકણાં ગોળાકાર હોય છે. કદી તમારા મનમાં વિચાર આવ્યો છે કે ગટરનાં ઢાંકણાં ગોળાકાર જ કેમ હોય છે. માત્ર આપણે ત્યાં જ નહીં, દુનિયાના દરેક દેશમાં દરેક શહેરમાં ગટરનાં ઢાંકણાં ગોળાકાર જ જોવા મળે છે.

એના અનેક વૈજ્ઞાનિક કારણો છે. આપણે બધા જાણીએ છીએ કે ધરતી ઉપર જાતજાતના પરિબળો દબાણ કરતા રહે છે. આ દબાણના કારણે કોઈ પણ આકારનું ગટરનું ઢાંકણું હોય તો એનો આકાર જરાક બદલાઈ જાય. પરંતુ ગોળ એવો આકાર છે જેમાં દબાણના કારણે આકાર બદલાવાનું જોખમ નહિવત હોય છે. એટલે ગટરનાં ઢાંકણાં એક વખત બંધબેસતા ગોઠવી દેવાય પછી એ એવા જ રહે છે.


બીજું કારણ વ્યવહારિક છે. ગટરનાં ઢાંકણાં બીડ(કાસ્ટ આયર્ન) અથવા કોંક્રીટમાંથી બનાવવામાં આવે છે. એ લગભગ ૧૦૦ કિલોગ્રામ વજનના હોય છે. આટલા વજનદાર ઢાંકણાંને ખોલવું, બંધ કરવું, લઈ જવું કે લાવવું હોય તો ગોળાાકર હોવાથી ગબડાવીને લઈ જવામાં સરળતા રહે છે.

ગટરનાં ઢાંકણાં રોડ ઉપર હોય છે, એની ઉપરથી જાતજાતના વાહનો સતત અવરજવર કરતા રહે છે. જો ચોરસ કે ત્રિકોણ ઢાંકણાં હોય તો એના ખૂણા વાહનોના ટાયરને નુકસાન કરી શકે. ગોળ ઢાંકણાં જરાય નુકસાન કરતા નથી.

ગટરનું કામ કરનાર મજુર મોટેભાગે અશિક્ષિત કે અલ્પશિક્ષિત હોય છે. એને અન્ય કોઈપણ આકારનું ઢાંકણું બેસાડવામાં મગજ કસવું પડે. ગોળાકાર ઢાંકણું બેસાડવામાં જરાય વિચાર કરવાનો હોતો નથી. એટલે કામદારોને ગોળાકાર ઢાંકણાં અનુકુળ આવે છે.

આગળ આપણે વાત કરી એમ ગટરનાં ઢાંકણાં બીડમાંથી બનાવવાાં આવે છે. આ ધાતુને ઓગાળીને એને ઢાંકણાંના આકારના બીબામાં રેડવાાં આવે છે. પ્રવાહી ધાતુ રેડવાની હોય તો અન્ય કોઈપણ આકાર કરતાં ગોળાકારમાં રેડવી સહેલી બને છે. ખૂણા પડતા હોય તો એ ખૂણા ભરાય એ રીતે પ્રવાહી રેડવામાં વધારાની મહેનત પડે છે. ગટરનાં ઢાંકણાં તો હજારોની સંખ્યામાં બનાવવાના થતા હોય છે. એમાં વધારાનો શ્રમ કે સમય બગાડવો ન પડે એ માટે એનો આકાર ગોળ રાખવામાં આવે છે. સૌથી મહત્ત્વનું કારણ એ છે કે ગટરનાં ઢાંકણાં રોડ ઉપર ગોઠવવાના હોવાથી એ ભૂલથીય ગટરમાં પડી ન જાય એ મહત્ત્વનું હોય છે. અન્ય કોઈપણ આકારનું ઢાંકણું હોય તો એને કોઈક ખૂણે મૂકતાં ઢાંકણું અંદર પડી શકે છે. પરંતુ ગોળાકાર ઢાંકણું કોઈપણ રીતે, કોઈપણ એન્ગલથી બેસાડવામાં આવે તો એંદર પડી શકતું જ નથી. આ સલામતિ સૌથી મહત્ત્વનું કારણ છે, ગટરનાં ઢાંકણાંનો આકાર ગોળ જ રાખવા માટે.


No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.