આ બ્લોગમાં વર્તમાનપત્રો, મેગેઝિનો, વિકીપીડીયા,GK ની વેબસાઇટો, વગેરે માધ્યમોનો સંદર્ભ તરીકે ઉપયોગ કરવામા આવેલ છે જે માટે સૌનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરુ છુ.બ્લોગથી મને લેશમાત્ર આવક નથી.જેની નોંધ લેશો.

Sunday, 2 October 2016

♥ 'ન્યુટ્રિનો'ના સંશોધન ક્ષેત્રે અગ્રણી વિજ્ઞાની : મોહંમદ અબ્દુસ સલામ ♥


બ્રહ્માંડની રચનાના મૂળભૂત કણોમાં ન્યુટ્રિનોનું મહત્વ છે. ઈલેક્ટ્રોન કરતાં નાના અને વીજભારક વિનાના આ કણોના સંશોધનોને પગલે વિકસેલી ઈલેક્ટ્રોનીક યુનિફિકેશન થિયરી અણુ ક્ષેત્રે ઉપયોગી થઈ છે. ઈલેક્ટ્રોમેગ્નેટિઝમ કરતાં ટૂંકી માત્રાના ન્યુટ્રિનો અન્ય કણોની અસરમાં આવ્યા વિના લાંબા અંતર સુધી પસાર થઈ શકે છે.

આ સંશોધન ક્ષેત્રમાં પાકિસ્તાનના વિજ્ઞાની મોહંમદ અબ્દુસ સલામનો ફાળો મહત્વનો છે. તેમને આ યોગદાન બદલ ૧૯૭૯માં ફિઝિક્સનું નોબેલ પ્રાઈઝ મળેલું.

નોબેલ ઈનામ મેળવનાર એકમાત્ર પાકિસ્તાની અને બે મુસ્લિમો પૈકીના એક સલામ ૨૦મી સદીના અગ્રણી વિજ્ઞાની મનાય છે.
 

મોહંમદ અબ્દુસ સલામનો જન્મ પાકિસ્તાનના પંજાબમાં ઈ.સ. ૧૯૨૬ના જાન્યુઆરીની ૨૯ તારીખે થયો હતો. તેમનો પરિવાર એહમદી પંજાબી અને જાટ હતો. તેમના પિતા ચૌધરી મહમદ હુસેન પંજાબના શિક્ષણ વિભાગમાં અધિકારી હતા.

સલામ ૧૪ વર્ષની વયે મેટ્રિક્યુલેટ પરીક્ષામાં પ્રથમ ક્રમે રહી પંજાબમાં પ્રસિધ્ધ થયેલ. તેમને લાહોર યુનિવર્સિટીની સ્કોલરશિપ મળેલી.

ઊર્દૂ, અંગ્રેજી અને ગણિતમાં નિષ્ણાત એવા સલામે ૧૯૪૪માં ગણિત સાથે ગ્રેજયુએટ થયા બાદ તેમણે રેલવેમાં ઉચ્ચ અધિકારીની નોકરી માટે પ્રયાસો કર્યાં. અભ્યાસ ચાલુ રાખી ૧૯૪૯માં એમ.એ. થયા.

કેમ્બ્રિજની કેવેન્ડીશ લેબોરેટરીમાં પીએચડી કર્યું. શિક્ષણ દરમિયાન તેમને ઘણા ઈનામો અને એવોર્ડ મળેલા. બ્રિટનથી પરત આવી તેઓ લાહોર સરકારી કોલેજમાં પ્રોફેસર તરીકે જોડાયા. લાહોરમાં રમખાણો થતાં તેઓ પાકિસ્તાન છોડી લંડન ચાલ્યા ગયા અને ઈમ્પિરિયલ કોલેજમાં પ્રોફેસર તરીકે જોડાયા.
 
૩૩ વર્ષની ઉંમરે રોયલ સોસાયટીના ફેલો બનનારા સલામ સૌથી યુવાન ફેલો હતા.

વિશ્વભરની ઘણી યુનિવર્સિટીઓ સાથે સંકળાયેલા અબ્દુસ સલામે ન્યુટ્રિનો ક્ષેત્રે મહત્વનું યોગદાન કર્યું. ૧૯૭૯માં તેમને અન્ય બે વિજ્ઞાનીઓ સાથે ફિઝિક્સનું નોબેલ પ્રાઈઝ એનાયત થયેલું.
 

અબ્દુસ સલામ પાકિસ્તાન એટમિક એનર્જી કમિશનના પ્રથમ સભ્ય હતા અને પાકિસ્તાન સરકારના વિજ્ઞાન સલાહકાર હતા. પાકિસ્તાનના અણુક્ષેત્રે તેમનું મહત્વનું યોગદાન છે. તેઓ અહેમદી પરિવારના હતા અને એહમદી ચળવળ સાથે જોડાયેલા હતા. પાકિસ્તાન સરકારે તેને બિનમુસ્લિમ સંસ્થા જાહેર કરેલી. ત્યારબાદ તેઓ પાકિસ્તાન છોડીને બ્રિટન જઈ વસેલા.

અબ્દુસ સલામને નોબેલ ઉપરાંત વિશ્વભરના દેશોમાંથી ૩૫ જેટલા ઉચ્ચ એવોર્ડ મળેલા. ભારતના ઈન્ડિયન ફિઝિક્સ એસોસિએશનનો આર.ડી. બિરલા એવોર્ડ અને કોલકાતા યુનિવર્સિટીનો દેવપ્રસાદ ગોલ્ડ મેડલ પણ તેમને એનાયત થયેલા.

સર્ન ખાતે આવેલી વિશ્વપ્રસિધ્ધ ગોડ પાર્ટિકલની લેબોરેટરી નજીક અબ્દુસ સલામ રોડ પણ આવેલો છે.


ઈ.સ. ૧૯૯૬ના નવેમ્બરની ૨૧ તારીખે બ્રિટનનાં ઓક્સફર્ડ ખાતે તેમનું અવસાન થયું હતું.


No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.