હિમાચલ પ્રદેશને દેવોની ભૂમિ તરીકે ઓળખવામાં આવે છે. હિમાચલ પ્રદેશમાં દેવી દેવતાઓના પ્રાચીન મંદિરો આવેલા છે. માતાના 51 શક્તિપીઠમાંથી 3 શક્તિપીઠો માત્ર હિમાચલ પ્રદેશમાં આવેલા છે. જેના મહત્વ અને ચમત્કારો વિષે પુરાણોમાં પણ ઉલ્લેખ મળી આવે છે. આજે અમે તમને એ ત્રણ શક્તિપીઠો વિષે જણાવિશું..
1. વ્રજેશ્વરી દેવી
હિમાચલ પ્રદેશના કાંગડા નામની જગ્યા પર માતાજીનું શક્તિપીઠ આવેલું છે. આ જગ્યાને નગહ કોટની રાની તરીકે પણ ઓળખવામાં આવે છે. આ શક્તિપીઠ પર સતીમાતાના વૃક્ષસ્થળ પડ્યાં હોવાનું માનવામાં આવી રહ્યું છે. આ શક્તિપીઠ પર માતાની પૂજા પીંડના સ્વરુપમાં કરવામાં આવે છે. વ્રજેશ્વરી દેવીને દશમહાવિદ્યાઓમાં પણ ગણવામાં આવે છે. હિમાચલ પ્રદેશના લોકોની માન્યતા પ્રમાણે કાંગડાના પ્રથમ મહારાજા ભુમિચંદ હતા અને તેમણે અહીં વ્રજેશ્વરી દેવીના મંદિરનું નિર્માણ કરાવ્યું હતું.
અહીં છે ભૈરવની ચમત્કારીક મૂર્તિ
વ્રજેશ્વરી દેવીના મંદિરમાં ભૈરવની મૂર્તિ પણ જોવા મળે છે. આ ભૈરવની પ્રતિમાંની વિશેષતા એ છે કે જ્યારે પણ આ વિસ્તારમાં કોઈ ભયાનક સંકટ કે રોગો ફેલાવાના હોય છે તે પહેલાં આ મૂર્તિની આંખોમાંથી આંસુ વહે છે અને મૂર્તિ આખી ભીની થઈ જતી હોવાની માન્યતા છે. આ પાણી ત્યાં સુધી વહે છે જ્યાં સુધી આ પ્રદેશમાં આવેલી સમસ્યા દૂર ના થાય. લોકોના જણાવ્યા પ્રમાણે વ્રજેશ્વરી દેવીના મંદિરમાં આવેલી ભૈરવની મૂર્તિ લગભગ 5 હજાર વર્ષ જૂની છે.
2. નયના દેવી
હિમાચલ પ્રદેશના બિલાસપુર નામની જગ્યા પર મણિદ્વીપ નામનો પર્વત આવેલો છે, આ પર્વત પર દેવીનું મંદિર આવેલું છે. માતાની આ જગ્યાને શક્તિપીઠની સાથે સિદ્ધપીઠ તરીકે પણ ઓળખવામાં આવે છે. પુરાણોમાં બતાવ્યા પ્રમાણે આ પર્વત પર માતાની આંખો(નયન) પડી હતી. તેથી જ આ જગ્યાને નયના દેવીના નામથી ઓળખવામાં આવે છે. આ મંદિર સાથે એક દંતકથા પણ જોડાયેલી છે. દંતકથા અનુસાર એક સમયે આ પર્વતની આસપાસના વિસ્તારોમાં ગુર્જરોની વસ્તી હતી. જ્યાં નૈના નામનો એક ગુર્જર રહેતો હતો. જે પશુ ચરાવા માટે રોજ આ પર્વત પર જતો હતો.
એક દિવસ નૈનાએ જોયું કે તેની એક ગાય પીપળાના ઝાડ નીચે ઉભી છે અને ગાયના આંચળમાંથી આપોઆપ દૂધ નીકળવા લાગ્યું. જ્યારે રોજ આવું થવા લાગ્યું ત્યારે એક દિવસ નૈનાએ પીપળાના ઝાડની નીચેથી કેટલાક પાંદડા હટાવ્યા. પીપળાના પાંદડા હટાવતાની સાથે જ જમીનમાંથી પીંડ દેખાયું, એ દિવસે રાત્રે નયના દેવી તેના સપનામાં આવ્યા અને તેમના દિવ્યરુપના દર્શન આપ્યા. દેવીએ સપનામાં પોતાનું મંદિર બનાવવાનું કહ્યું અને ગુર્જરે આ મંદિરનું નિર્માણ કરાવ્યું.
આવી છે અહીંની મૂર્તિ અને મંદિર
નયના દેવીના મંદિરમાં દેવીની ત્રણ મૂર્તિઓ આવેલી છે. જેમાંથી મંદિરની મધ્યમાં આવેલી મૂર્તિને મુખ્ય માનવામા આવે છે. આ ઉપરાંત મંદિરમાં એક હવન કુંડ પણ આવેલો છે. જેની ખાસ વિશેષતા છે. હવન દરમિયાન જે પણ કાંઈ સામગ્રી કુંડમાં નાખવામાં આવે છે તે તમામ સામગ્રી કુંડમાં જ સમાઈ જાય છે. નયના માતાના દર્શન કરવા માટે વૈષ્ણોદેવીના મંદિરની જેમ પગપાળા જવું પડે છે. માતાના દરબાર સુધી પહોંચવા માટે સીધી અને કઠોર ઢોળાવો ચઢવા પડે છે. પરંતુ હવે મંદિર સુધી પહોંચવા માટે રોપ-વેની સુવિધાનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
કેવી રીતે પહોંચશો આ મંદિર સુધી
ચંડીગઢ એરપોર્ટથી નયના દેવીનુ મંદિર 100 કિલોમિટર દૂર આવેલું છે. આનંદપુર રેલવે સ્ટેશનથી નયના દેવીનું મંદિર લગભગ 30 કિલોમિટર દુર આવેલું છે.
3. જ્વાલા દેવી
હિમાચલ પ્રદેશના કાંગડાથી 30 કિલોમિટર દૂર પ્રસિદ્ધ જ્વાલા દેવીનું મંદિર આવેલું છે. જ્વાલા દેવીના મંદિરને જોતાવાલી માતાનું મંદિર અને નગરકોટ પણ કહેવામાં આવે છે. આ મંદિરની ગણતરી માતાના મુખ્ય શક્તિપીઠોમાં થાય છે. લોકોની માન્યતા અનુસાર આ જગ્યા પર દેવીની જીભ પડી હતી. માતાના અન્ચ મંદિરોની સરખામણીએ આ મંદિર અલગ છે, કારણ કે આ મંદિરમાં મૂર્તિની પૂજા કરવામાં આવતી નથી. પરંતુ પૃથ્વીના ગર્ભમાંથી નીકળતી જ્વાળાની પૂજા કરવામાં આવે છે. જ્વાલા દેવીના મંદિરમાં ધરતીમાંથી અલગ અલગ 9 જેટલી જ્વાળાઓ પ્રગટે છે. જેના પર જ મંદિર બનાવવામાં આવ્યું છે. આ નવ જ્વાળાને મહાકાળી, અન્નપુર્ણા, ચંડી, હિંગળાજ, વિંધ્યવાસની, મહાલક્ષ્મી, સરસ્વતી, અંબિકા અને અંજી દેવીના નામથી ઓળખવામાં આવે છે.
સમ્રાટ અકબરે મંદિરની જ્વાળાને બુઝાવવાનો કરેલો પ્રયાસ
જ્વાળા દેવીના મંદિરની જ્વાળાને બુઝાવવાનો સમ્રાટ અકબરે પ્રયાસ કર્યો હતો, પરંતુ અકબર પણ મંદિરમાં પ્રજવલિત જ્વાળાને બુઝાવી શક્યો ન હતો. અને જ્વાળા દેવીની મહિમાને જાણી હતી, તેમજ જ્વાળા દેવીના મંદિરમાં સોનાનું છતર ચડાવવાનો નિર્ણય કર્યો હતો. લોકોની માન્યતા પ્રમાણે જ્યારે સમ્રાટ અકબર માતાના મંદિરે છતર ચડાવા ગયો ત્યારે માતાજીએ તે છતરનો સ્વીકાર કર્યો ન હતો. અને છતર મંદિરમાં જ તૂટી પડ્યું હતું. સોનાનું છતર પડતાની સાથે જ અન્ય ધાતુમાં બદલાઈ ગયું હતું. જે છતર આજે પણ આ મંદિરમાં સુરક્ષિત રાખવામાં આવ્યું છે.
ચમત્કારી છે જ્વાલા માતાનું આ મંદિર
જ્વાલાદેવીના મંદિરમાં પ્રજ્વલિત જ્વાળા કુદરતી હોવાની સાથે ચમત્કારીક પણ છે. કારણ કે અંગ્રેજો એ પણ જમીનમાંથી નિકળતી કુદરતી જ્વાળાની ઉર્જાનો ઉપયોગ કરવા માટે પૂરું જોર લગાડ્યું હતું. પરંતુ અંગ્રેજો જમીનમાંથી નીકળતી તે ઉર્જાને શોધવામાં સફળ થયા ન હતા. આ બંને વાતો પ્રમાણ આપે છે કે જમીનમાંથી નીકળતી આ જ્વાળા પ્રાકૃતિક નથી પરંતુ કુદરતી છે.
કેવી રીતે પહોંચશો આ મંદિરે.....
જ્વાળા દેવીના મંદિરની નજીક ગગલ એરપોર્ટ આવેલું છે. જ્યાંથી આ મંદિર 46 કિલોમીટર દૂર છે. તેમજ નજીકમાં રેલવે સ્ટેશન પણ આવેલું છે. રેલવે સ્ટેશનથી મંદિર લગભગ 20 કિલોમિટર દૂર છે.
Source
DIVYA BHASKAR
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.