→ મહાન ગઝલ ગાયક મહેદી હસન રાજસ્થાનના નિવાસી હતા. મહેદી હસનનો જન્મ રાજસ્થાનના ઝુનઝુનુ જિલ્લાનાં લૂણા ગામમાં ૧૮ જુલાઈ,૧૯૨૭ની સાલમાં થયો હતો. મહેદી હસન મુખ્યત્વે ગઝલ ગાયક, ક્લાસિકલ ગાયક, કંપોઝર અને પ્લેબેક સિંગર એમ મલ્ટિપલ કલાના ઉસ્તાદ હતા. મહેદી હસનની ગઝલો અને ગીતો દુનિયાભરમાં ખૂબ પ્રખ્યાત છે. આજે પણ લોકો મહેદી હસનની ગઝલો ગણગણતા જોવા મળે છે.
→ મહેદી હસનના લોહીમાં જ કલા વસેલી હતી, કારણ કે હસનના પિતા અને કાકા ઉસ્તાદ અમીઝ ખાન અને ઇસ્માઇલ ખાન બન્ને ધ્રૃવપદ રાગના બહુ જાણીતા ગાયક હતા, જ્યારે મહેદી હસનના પરિવારજનો અને પૂર્વજો પણ સંગીતપ્રેમી હતા. હસનના પરિવારજનો કલાવંત ઘરાના સાથે જોડાયેલા હતા. મહેદી હસનના કહેવા અનુસાર તેમની લગભગ ૭ પેઢીઓ કલાવંત ઘરાના સાથે જોડાયેલી હતી, માટે એવું કહી શકાય કે કલા હસનના લોહીમાં વણાયેલી છે.
→ ભારતીય મૂળ ધરાવતા મહેદી હસનને તેમના બાળપણના દિવસોમાં ઘણી તકલીફ સહન કરવી પડી હતી. હસને તેમની કારકિર્દીની શરૂઆતના દિવસોમાંં એક સાઇકલ સ્ટોરમાં કામ કર્યું હતું અને ત્યારબાદ મોટર મિકેનિક તરીકે પણ થોડો સમય કામ કર્યું હતું, પરંતુ હસનમાં સંગીતને લઈને જે ઝનૂન હતું તે ક્યારેય તેમની અંદરથી ગયું નહોતું. અંતે ખૂબ મહેનત બાદ ૧૯૫૭માં પાકિસ્તાનમાં રેડિયો ઉપર હસનને ઠૂમરી ગાયક તરીક સૌપ્રથમ ઓળખ મળી હતી.
→ આજે પણ ઘણા લોકો એવા જોવા મળશે જે લોકો એવું કહેશે કે મહેદી હસન એક પાકિસ્તાની ગાયક છે, પરંતુ હકીકત એ હતી કે ભારત પાકિસ્તાનના ભાગલા બાદ હસનનો પરિવાર પાકિસ્તાન જઈને વસ્યો. ત્યારબાદ તેઓ ભારત પરત ન થયા, પરંતુ હસન અવારનવાર પોતાના સંગીતના કારણે ભારત આવતા રહેતા.
→ મહેદી હસન ઉર્દૂ શાયરીના ખૂબ શોખીન હતા, માટે શરૂઆતના દિવસોમાં તેમણે પોતાની મનપસંદ ઉર્દૂ ગઝલોને ગાવાનું શરૂ કર્યું. ૧૯૬૪માં આવેલી ફિલ્મ'ફિરંગી' માટે તેમણે ગુલોં મેં રંગ ભરે ગઝલ ગાઈ, તે તેમના જીવનનો મોટો ટર્નિંગ પોઇન્ટ સાબિત થયો અને આ ગઝલ દ્વારા મહેદી હસન ઇન્ડસ્ટ્રીઝમાં છવાઈ ગયા. ત્યારબાદ એક પછી એક હસને ખૂબ ગઝલો અને ગીતો ગાયાં અને નામના હાંસલ કરી. મહેદી હસને તેમના ગામ લૂણામાં રસ્તો બનાવવા માટે જયપુરમાં ગઝલનો એક ચેરિટી શો કરી ગામવાસીઓને આર્િથક મદદ કરી હતી. મહેદી હસનની આહ્લાદક ગાયકીના કારણે હસનના ફેન્સે હસનને ખાન સાહેબ અને કિંગ ઓફ ગઝલના નામે બિરદાવ્યા છે. પ્લેબેક સિંગર તરીકે કામ કર્યું હતું. વળી, તઓ ક્લાસિકલ સિંગિંગના ખેરખાં હતા. મહેદી હસનને લક્સ સ્ટાઇલ એવોર્ડનો લાઇફટાઇમ અચિવમેન્ટ એવોર્ડ પણ મળ્યો હતો.
→ મહેદી હસને ૧૯૫૭થી શરૂ કરીને ૧૯૯૯ સુધી પોતાની ગાયકીનાં ઓજસ પાથર્યાં હતાં, જ્યારે પાછલાં વર્ષોમાં હસનને ગળાનું કેન્સર થયું હોવાથી ગાયકી બંધ કરવી પડી. ૧૩ જૂન, ૨૦૧૨ ઠીક આજની તારીખે આજથી ૩ વર્ષ પહેલાં મહેદી હસનનું ગળાના કેન્સરના કારણે મૃત્યુ થયું હતું. લોકો આજે પણ મહેદી હસનને તેમની ગાયકીના કારણે યાદ કરે છે.
- 'સંદેશ' માંથી સાભાર
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.