

આ ધરતી ઉપર કેટલાય પ્રાણીઓ પક્ષીઓ એવા છે જેની નજર રાત્રિ દરમિયાન ખૂબ શાર્પ થઇ જતી હોય છે. જેમ કે બિલાડી, ચામાચીડિયા જેવા ઘણાં પ્રાણીઓ રાતના અંધકારમાં પણ જોઈ શકે છે. તેમની આંખમાં ખાસ પ્રકારના કોષો હોય છે, જ્યારે મનુષ્યની આંખો માત્ર અજવાળું હોય ત્યારે જ વસ્તુઓને જોઈ શકે. વસ્તુ પર પ્રકાશ પડે અને તેનું પરાવર્તન થઈ આપણી આંખમાં આવે ત્યારે તે વસ્તુ દેખાય તેથી અંધારામાં આપણને આસપાસની વસ્તુઓ દેખાતી નથી. જોકે રાત્રિ સમયે આપણને અંધકાર લાગે, પરંતુ તેમાં કેટલાક ઈન્ફ્રારેડ કિરણો જેવા ટૂંકી તરંગ લંબાઈના કિરણો વહેતા હોય છે. મોટા ભાગના પદાર્થોમાંથી આવા કિરણો નીકળતા હોય છે જે આપણને દેખાતા નથી. વિજ્ઞાનીઓએ આ કિરણોને જોઈ શકે, શોધી શકે તેવું સાધન વિકસાવ્યું છે અને આ સાધનથી આપણે પણ અંધકારમાં પડેલી ચીજોને જોઈ શકીએ છીએ.
નાઈટ વિઝન ડિવાઈસ નામનું આ સાધન ૨૦૦ મીટર દૂર અંધારામાં ઊભેલી વ્યક્તિને પણ જોઈ શકે છે. આ સાધનનો ઉપયોગ જોકે લશ્કરના જવાનો કરે છે. આ સાધન નાનકડા દૂરબીન જેવું હોય છે. તેમાં રહેલો લેન્સ નીચી તરંગ લંબાઈના કિરણોને એકત્ર કરી મોટા કરી બતાવે છે. બીજી પદ્ધતિમાં થર્મલ ઈમેજિંગનો ઉપયોગ થાય છે. માણસનું શરીર, ધાતુના પદાર્થો વગેરે તેમાં રહેલી ગરમીને કારણે ઈન્ફારેડ કિરણો વહાવે છે. નાઈટ વિઝન ગરમીના આ કિરણોને પકડીને તેનું દ્રશ્યમાં રૃપાંતર કરે છે.
નાઈટ વિઝનનો મુખ્ય ભાગ તેની ઈન્ટેસીફાયર ટયૂબ છે જેમાં પ્રકાશના ફોટોન કણો ઈલેકટ્રોનમાં ફેરવીને ફરી પ્રકાશના કિરણોમાં ફેરવે છે. ટયૂબમાં રહેલા ફોસ્ફરસ સ્ક્રીનમાં વસ્તુની લીલા રંગની ઈમેજ જોવા મળે છે. આ સાધનને કમ્પ્યૂટર સાથે જોડીને સ્ક્રીન ઉપર પણ ઈમેજ જોઈ શકાય છે. નાઈટ વિઝનની શોધ ૪૦ વર્ષ પહેલાં થઈ હતી આજે નાનકડા વીડિયો કેમેરા જેવડા નાઈટ વિઝન વિકસ્યા જેના વડે અંધકારમાં તસવીર પણ પાડી શકાય છે. આમ જેમ જેમ વિજ્ઞાાન પ્રગતિ કરતું જાય છે તેમ તેમ માણસને સુવિધા પૂરી પાડતી અનેક નવી નવી વસ્તુઓનો વિકાસ થતો જાય છે.
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.