


♦ ગુજરાતના પાટણ શહેરમાં એક ઐતિહાસિક વારસો વર્ષોથી જળવાઈ રહ્યો છે જેને જોવા હજારો લોકો રોજબરોજ આવે છે અને પહેલાંના જમાનાના રાજાઓ તથા શિલ્પીઓનાં વખાણ કરતા થાકતા નથી. ભારત એક એવો દેશ છે કે જ્યાં આપણા પૂવર્જોની સાંસ્કૃતિક કલાનો અઢળક વારસો સમાયેલો છે. આ સાંસ્કૃતિક વારસાને જોતાં ખ્યાલ આવે કે આપણા પૂવર્જો કેટલા બધા કલાપ્રિય હશે! અત્યારે સારા સારા આર્કિટેક્ચર્સને જોઈને પરસેવો પડી જાય તેવી સુંદર અને બેનમૂન કલાકૃતિ રાણકી વાવમાં જોવા મળે છે, તો ચાલો જાણી લઈએ રાણકી વાવ વિશે થોડું જાણવા જેવું.
♦ રાણકી વાવને લોકો રાણી કી વાવ કે રાણીની વાવ તરીકે પણ આળખે છે.
♦રાણકી વાવ સાત માળ જેટલી ઊંડી છે. વાવની અંદર અલગ અલગ દેવીદેવતા, અનુચરતી અપ્સરા, નાગકન્યાઓ વગેરેની કલાત્મક ર્મૂિતઓ કંડારવામાં આવી છે.
♦૨૨ જૂન, ૨૦૧૪માં રાણકી વાવને યુનેસ્કોએ વિશ્વ વિરાસત સ્થળ તરીકે જાહેર કર્યું હતું.
♦વળી, આ વાવની એક જાણવાલાયક વાત એ છે કે આ વાવને એક રાણીએ બંધાવી હતી. પહેલાંના જમાનામાં પણ સ્ત્રીઓ કલાની બાબતે ચપળ જ હતી.
♦વર્ષ ૧૦૬૩માં સોલંકી શાસનના રાજા ભીમદેવની યાદમાં તેેમની પત્ની ઉદયમતીએ આ વાવ બનાવડાવી હતી.
♦આ વાવ ૬૪ મીટર લાંબી, ૨૦ મીટર પહોળી અને ૨૭ મીટર ઊંડી છે.




♦વર્ષો પહેલાં સરસ્વતી નદીમાં પૂર આવતાં આ વાવ જમીનમાં દફન થઈ ગઈ હતી, પરંતુ પાટણના લોકોએ આ વાવને તેના મૂળ સ્વરૂપમાં લાવવા માટે ભારતીય પુરાતત્ત્વ વિભાગનો સંપર્ક કર્યો અને પુરાતત્ત્વ વિભાગના લોકોએ ભારે જહેમત કરી વાવની અંદર ભરાઈ ગયેલી માટી કાઢી તેને તેના મૂળ સ્વરૂપમાં લાવ્યા હતા.
♦ગુજરાત, રાજસ્થાન વગેરે અલગ અલગ જગ્યાએ વાવ ખૂબ જોવા મળે છે. આ વાવ લગભગ પહેલાંના જમાનામાં રાજા-મહારાજાઓએ બનાવેલી જ હોય છે. વાવ બનાવવાનો મુખ્ય હેતુ પાણીનો સંગ્રહ હતો.
♦પહેલાંના જમાનામાં પાણીની અછત રહેતી તેવા સમયે આ વાવ પાણીના સંગ્રહાર્થે ખૂબ ઉપયોગી થતી.
♦રાણકી વાવની સુંદર સ્થાપત્યકલા લોકોના આકર્ષણનું ખાસ કેન્દ્ર રહ્યું છે.
♦ગુજરાત સરકારે રાણકી વાવની આસપાસ હવે સુંદર મોટો ઉદ્યાન બનાવ્યો છે, જેથી લોકો વાવ જોઈને અહીં ખૂબ મજાથી ઉજાણી મનાવી શકે છે.
••• ♥ સૌજન્ય :- કિડ્ઝ વર્લ્ડ ♥ •••
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.